Thu Jul 23 2026

Logo

સિંધિયા પરિવારની 40 હજાર કરોડની સંપત્તિ માટે ઘમાસાણ, જ્યોતિરાદિત્યની કઝિનના દાવાથી નવો ટ્વિસ્ટ

2026-07-23 11:53:00
Author: Vimal Prajapati
Article Image

ગ્વાલિયરઃ સિંધિયા રાજપરિવારમાં દાયકાઓ જૂનો સંપત્તિનો વિવાદ ઉકેલના આરે પહોંચ્યો હતો, પરંતુ છેલ્લી ક્ષણે તેમાં એક નવો મોટો વળાંક આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની ફોઈઓ વચ્ચે સમજૂતીનો ફોર્મ્યુલા તૈયાર થઈ ગયો હતો, પરંતુ આ કરાર પર આખરી મહોર વાગે તે પહેલાં જ પદ્માવતી રાજેની પુત્રી પ્રતિમા દેવીએ કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે પરિવારના આ વહેંચણી કરારમાં તેમને વ્યાજબી હક મળ્યો નથી. 

દેશભરમાં ફેલાયેલી છે 40 હજાર કરોડની શાહી વિરાસત 

આ વિરોધ અરજી બાદ ગ્વાલિયર જિલ્લા અદાલતે આ સેટલમેન્ટ પર સ્ટે મૂકતાં હવે પછીની સુનાવણી 28 જુલાઈના રોજ નિયત કરી છે. સિંધિયા રાજવંશ પાસે દેશના અલગ-અલગ શહેરોમાં આશરે રૂપિયા 40,000 કરોડની જંગી સંપત્તિઓ આવેલી છે. જેમાં કેટલીક અત્યંત કિંમતી અને ઐતિહાસિક સંપત્તિઓનો સમાવેશ થાય છે. ગ્વાલિયરનો ભવ્ય 'જયવિલાસ પેલેસ', ઉષા કિરણ પેલેસ, રાણી મહેલ, શિવપુરીનો માધવ વિલાસ પેલેસ અને ઇન્દોરનો હેપ્પી વિલાસ સામેલ છે, પુણેનો પ્રભાત વિલાસ પેલેસ, ઉજ્જૈનનો ઐતિહાસિક કાલિયાદેહ પેલેસ, દિલ્હીમાં આવેલો ગ્વાલિયર હાઉસ તથા સિંધિયા વિલા, મુંબઈનો સમુદ્ર મહેલ અને વારાણસીનો સિંધિયા ઘાટ તેમની સંપત્તીનો ભાગ છે.

વર્ષ 1988થી ચાલી રહ્યો છે આ સંપત્તિનો વિવાદ 

આ સાથે આ સેટલમેન્ટમાં સૌથી ખાસ સંપત્તિ પન્નાના દુર્લભ રત્નમાંથી બનેલું શિવલિંગ છે, જે આ રાજઘરાનાની અગાધ શ્રદ્ધા અને શાહી ઓળખનું પ્રતીક મનાય છે. આ સિવાય અનેક ટ્રસ્ટ, શેર ઇન્વેસ્ટમેન્ટ અને એન્ટિક વસ્તુઓ પણ આ વહેંચણીના દાયરામાં આવે છે.  આ સંપત્તિ વિવાદ વર્ષ 1988થી ચાલી રહ્યો છે. જ્યારે સ્વ. માધવરાવ સિંધિયા અને તેમની બહેનો વસુંધરા રાજે, યશોધરા રાજે અને ઉષા રાજે વચ્ચે અનબન થઈ હતી. ત્રણેય બહેનોએ પિતૃક સંપત્તિમાં પોતાના સમાન હકની માંગ સાથે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. માધવરાવના નિધન બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની બહેન ચિત્રાંગદા રાજે આ કાનૂની લડાઈનો હિસ્સો બન્યા હતા.  

પ્રતિમાએ દાખલ કરાયેલી અરજીએ ફરી વિવાદ સર્જાયો

તે પછી 2017 માં મિલકત સંબંધિત તમામ મામલાઓ હાઇકોર્ટમાં પહોંચ્યા. લાંબા વિવાદ પછી, સિંધિયા પરિવારના બંને જૂથોનું પ્રતિનિધિત્વ કરતા મધ્યસ્થીઓએ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. અનેક રાઉન્ડની બેઠકો બાદ વિભાજન કરાર માટે ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને બંને પક્ષોએ આ કરાર પર તાત્કાલિક સુનાવણી માટે જિલ્લા કોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી, જેના પર 20 જુલાઈના રોજ સુનાવણી થઈ પરંતુ હવે પ્રતિમા દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ મામલો ફરીથી જટિલ બની ગયો છે.  1988થી ચાલી રહેલો સંપત્તિનો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે.