Thu Jul 23 2026

Logo

ગુજરાતના ક્યા 12 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ? ક્યા તાલુકામાં અધધધ 36 ઈંચ વરસાદ ?

2026-07-23 12:56:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 12 તાલુકામાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં અધધ 36 ઇંચ વરસાદ પડ્યો હતો.

આ 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ

ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 28.78, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાંસદામાં 17.13 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ, વલસાડમાં 15.87 ઇંચ, ડોલવણમાં 14.88 ઇંચ, વઘાઈમાં 14.53 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ , વાલોડમાં 10.08 ઇંચ વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે તાપી, ડાંગ, નવસારી અને સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો હતો. નર્મદા, મહીસાગર અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે અને અતિભારે વરસાદ નોંધાયો હતો.

રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિવાસી વિકાસ મંત્રી નરેશ પટેલ, અને સચિવો રમ્યા મોહન તથા આલોક પાંડેને પ્રભાવિત જિલ્લાઓમાં મોકલ્યા છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહીના આધારે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં પ્રભારી સચિવને પણ પહોંચવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલની શું છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 23 થી 27 જુલાઈ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાંથી એક સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે, અષાઢ સુદ નોમની વીજળી વરસાદ માટે સારી માનવામાં આવે છે અને તેની અસર પણ જોવા મળશે.

23 થી 27 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગોધરા, લુણાવાડા અને દાહોદના આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરાના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.