ભુજઃ ગુજરાત પર હાલમાં ચાર જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થવા સાથે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયાં સ્થળોએ ઝાપટાંરૂપી હાજરી નોંધાઈ છે. અષાઢ મહિનો અડધો વીતી જવા આવ્યો હોવા છતાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ ન થતાં ધરતીપુત્રો અને પશુપાલકો આતુરતાપૂર્વક મેઘકૃપાની રાહ જોઈ રહ્યા છે.
મુન્દ્રા અને માંડવી સહિતના કાંઠાળ વિસ્તારોમાં બુધવારે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. સવારે પાંચ વાગ્યાના અરસામાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે અડધા કલાકમાં જોર પકડ્યું હતું. આશરે અડધો ઇંચ (૧૪ મિ.મી.) વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વધુ વરસાદ નોંધાયો ન હતો.
માંડવી પંથકમાં રાતભર ઝરમરિયા રૂપે પાંચ મિ.મી. જેટલો નજીવો વરસાદ નોંધાયો હતો. માત્ર ધૂળ ધોવાયા જેટલો જ વરસાદ થતાં રસ્તાઓ પર કાદવ-કીચડના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.
ભુજ તાલુકાના દહીંસરા ક્ષેત્રમાં સતત ત્રીજા દિવસે ઝાપટાં ચાલુ રહ્યા હતા. ચુનડી, પુનડી, ધુણઇ, સરલી, ગોડપર અને મેઘપર પાંચાડા જેવા ગામોમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં, પરંતુ ખેડૂતો માટે વાવણીલાયક વરસાદનો ઇંતજાર હજુ અકબંધ છે.
૨૬ જુલાઈની આસપાસ કચ્છમાં વરસાદનો નવો રાઉન્ડ શક્ય
જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં વાદળોની આવન-જાવન વચ્ચે લોકો ઉકળાટ અને અસહ્ય ગરમીથી બેહાલ બન્યા છે. હવામાન નિષ્ણાતો અને વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત પર સક્રિય સિસ્ટમ ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહી છે. તેના પ્રભાવ હેઠળ ૨૬ જુલાઈની આસપાસ કચ્છમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી પ્રબળ શક્યતા છે. શનિવાર અને રવિવાર દરમિયાન જિલ્લામાં વરસાદી વિસ્તાર વધવાની આગાહી છે, જોકે હજુ સુધી કોઈ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.
(ઉત્સવ વૈદ્ય)