માનવ મગજ એ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અને જટિલ અંગ માનવામાં આવે છે. વિચારવું, સમજવું, યાદ રાખવું અને નિર્ણયો લેવા જેવા તમામ મહત્વના કાર્યો મગજની મદદથી જ થાય છે. પરંતુ આજે પણ મગજને લઈને લોકોમાં એવી કેટલીય વાતો પ્રચલિત છે, જેને લોકો વિચાર્યા વગર સાચી માની લે છે. ચાલો જાણીએ મગજ સાથે જોડાયેલી આવી જ કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ અને તેની પાછળનું સાચું વિજ્ઞાન.
માન્યતા 1: માનવી તેના મગજનો માત્ર 10 ટકા ભાગ જ વાપરે છે?
અસંખ્ય વર્ષોથી આ વાત સાંભળવા મળે છે કે માણસ પોતાના મગજનો માત્ર 10 ટકા હિસ્સો જ ઉપયોગમાં લે છે. પરંતુ ન્યુરોલોજી એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વાત બિલકુલ ખોટી છે. મગજનો દરેક ભાગ કોઈને કોઈ કાર્ય કરવા માટે બનેલો છે. ત્યાં સુધી કે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, ત્યારે પણ મગજ સંપૂર્ણપણે બંધ થતું નથી પણ સક્રિય જ રહે છે.
માન્યતા 2: મગજની કાળજી માત્ર વૃદ્ધોએ જ રાખવી જોઈએ?
ઘણા લોકો માને છે કે બ્રેન હેલ્થ (Brain Health)ની ચિંતા માત્ર મોટી ઉંમરે જ કરવી જોઈએ. જ્યારે વાસ્તવિકતા એ છે કે નાની ઉંમરમાં અપનાવવામાં આવેલી સારી ટેવો ભવિષ્યમાં મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ વ્યાયામ કરવો, પૂરતી ઊંઘ લેવી અને માનસિક તણાવ ઓછો રાખવો એ દરેક ઉંમરે જરૂરી છે.
માન્યતા 3: વારંવાર ભૂલી જવું એ હંમેશાં ગંભીર બીમારીની નિશાની છે?
જો તમે ક્યારેક કોઈ વ્યક્તિનું નામ કે વસ્તુ મૂકીને ભૂલી જાવ, તો દર વખતે ગભરાવાની જરૂર નથી. આવું અતિશય તણાવ, ઊંઘ પૂરી ન થવી કે વધુ પડતા કામના બોજને કારણે પણ થઈ શકે છે. પરંતુ જો ભૂલી જવાની આ સમસ્યા સતત વધતી જાય અને રોજિંદા કામકાજ પર તેની અસર પડવા લાગે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
માન્યતા 4: માત્ર 'બ્રેન ગેમ્સ' રમવાથી મગજ તેજ થઈ જાય છે?
સુડોકુ, કોયડાઓ કે પઝલ્સ અને બ્રેન ગેમ્સ રમવી એ સારી બાબત છે, પરંતુ માત્ર તેના પર જ આધાર રાખીને મગજને હેલ્ધી રાખી શકાતું નથી. મગજની તંદુરસ્તી માટે તેની સાથે પૌષ્ટિક આહાર, શારીરિક કસરત, પૂરતી ઊંઘ અને સતત નવી વસ્તુઓ શીખવાની ટેવ પણ એટલી જ જરૂરી છે.
માન્યતા 5: ખાનપાનને મગજની તંદુરસ્તી સાથે કોઈ લેવાદેવા નથી?
કેટલાક લોકો માને છે કે ખોરાક માત્ર શરીર માટે જ જરૂરી છે, પરંતુ તેની સીધી અસર આપણા મગજ પર પણ પડે છે. સંતુલિત અને પૌષ્ટિક આહાર મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જોકે, માત્ર કોઈ એક ચોક્કસ ખોરાક ખાવાથી ચમત્કાર નથી થતો, પરંતુ સમગ્ર હેલ્ધી લાઈફસ્ટાઈલ સૌથી વધુ મહત્વની છે.
માઈન્ડને હેલ્ધી રાખવા શું કરશો?
જો તમે લાંબા સમય સુધી તમારા મગજને સક્રિય અને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો આટલું અવશ્ય કરો-
રોજિંદા જીવનમાં થોડી કસરત કે વોકિંગ ઉમેરો.
દરરોજ સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લો.
સંતુલિત અને લીલા શાકભાજીથી ભરપૂર આહાર લો.
નવી ભાષાઓ, સ્કિલ્સ કે નવી વસ્તુઓ શીખતા રહો.
જરૂર જણાય ત્યારે તબીબી સલાહ લેવામાં વિલંબ ન કરો.