હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગરુડ પુરાણનું એક આગવું અને વિશેષ મહત્વ છે. આ ગ્રંથ માત્ર મૃત્યુ પછીની શું શું થાય છે તે જ નહીં, પરંતુ માનવીને જીવન જીવવાની સાચી દિશા પણ બતાવે છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે તેમના દ્વારા છૂપાઈને કરાયેલા પાપ વિશે કોઈને જાણ થતી નથી, પરંતુ ગરુડ પુરાણ સ્પષ્ટ કરે છે કે મૃત્યુ બાદ યમલોકમાં પ્રત્યેક નાના-મોટા કર્મોનો ખૂબ જ ઝીણવટભર્યો હિસાબ થાય છે.
ભગવાન વિષ્ણુ અને પક્ષીરાજ ગરુડ વચ્ચેના સંવાદરૂપે રચાયેલા આ ગ્રંથ અનુસાર, શરીર ત્યાગ કર્યા બાદ યમદૂતો આત્માને યમલોક લઈ જાય છે. ત્યાં ચિત્રગુપ્ત દ્વારા વ્યક્તિના આજીવન કર્મોનો ચોપડો ખોલવામાં આવે છે. જો જીવાત્માના પુણ્ય વધારે હોય તો તેને સુખનો માર્ગ મળે છે, પરંતુ જો પાપનો ઘડો ભરાયેલો હોય તો યમરાજ દ્વારા આકરો દંડ આપવામાં આવે છે. પણ અમુક પાપની સજા ખૂબ જ આકરી હોઈ છે, જેની આપણે અહી વાત કરવાના છીએ.
ગૌહત્યા અથવા ગાયને ત્રાસ આપનાર
સનાતન પરંપરામાં ગાયને માતાનો દરજ્જો આપીને પૂજનીય માનવામાં આવી છે. ગરુડ પુરાણમાં ગૌહત્યા કરવી અથવા ગાયોને જાણીજોઈને ત્રાસ આપવાને મહાપાપ ગણાવવામાં આવ્યું છે. આવા કર્મો કરનાર વ્યક્તિને મહાપાપીની હરોળમાં મૂકવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અબોલ જીવ અને ખાસ કરીને ગાય પર અત્યાચાર કરનાર આત્માને મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી પારાવાર કષ્ટ ભોગવવું પડે છે અને તેને ક્યારેય શાંતિ મળતી નથી. જ્યારે બીજી તરફ, ગાયની નિઃસ્વાર્થ સેવા કરવાથી મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપદેશ મનુષ્યને દયા અને અહિંસાના પાઠ ભણાવે છે.

માતા-પિતા વડીલોની સેવા નહિ કરનાર
આજના બદલાઈ રહેલા સમાજમાં ઘણા લોકો પોતાના વડીલો અને ગુરુઓનું સન્માન કરવાનું ભૂલી ગયા છે, ત્યારે ગરુડ પુરાણ આવા લોકો માટે લાલબત્તી સમાન છે. આ ગ્રંથ ચેતવણી આપે છે કે જે સંતાનો પોતાના માતા-પિતાની સેવા નથી કરતા અથવા તો વિદ્યા આપનાર ગુરુનું અપમાન કરે છે, તેમને ભવિષ્યમાં અત્યંત કઠોર ફળ ભોગવવું પડે છે. ધર્મશાસ્ત્રોમાં માતા-પિતા અને ગુરુને સાક્ષાત ઈશ્વરનું રૂપ માનવામાં આવ્યા છે. તેમની લાગણીઓને દુભાવવી એ સૌથી ભારે કર્મ મનાય છે. વડીલોનું સન્માન અને તેમની દેખભાળ એ માત્ર પારિવારિક શાંતિ જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ અત્યંત જરૂરી બાબત છે.
ગર્ભમાં જ બાળકની હત્યા છે મહાપાપ
સમાજમાં ભ્રૂણહત્યાને કાયદાકીય રીતે તો ગંભીર ગુનો માનવામાં આવે જ છે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ ગરુડ પુરાણમાં પણ તેને જઘન્ય પાપોની યાદીમાં મૂકવામાં આવ્યો છે. જે વ્યક્તિ અજન્મેલા બાળકની હત્યાના પાપમાં ભાગીદાર બને છે, તેના માટે નરકના દ્વાર ખુલી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવા ઘોર પાપથી જીવાત્મા માટે મોક્ષનો માર્ગ કાયમ માટે બંધ થઈ જાય છે.

વિશ્વાસઘાતની સજા ભોગવવી પડે છે
કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ તોડી નાખવો કે પછી પોતાના સ્વાર્થ ખાતર ખોટી ગવાહી આપીને કોઈ નિર્દોષને ફસાવવો, તે પણ સીધો નરક તરફ લઈ જતો રસ્તો છે. ગરુડ પુરાણ અનુસાર, છળકપટ અને વિશ્વાસઘાત કરનારાઓને મૃત્યુ પછી 'વૈતરણી' જેવી ભયાનક નદી પાર કરવા સહિતની અનેક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. જૂઠાણાના પાયા પર ઊભો કરેલો નફો ક્યારેય ટકતો નથી અને આત્મા પર પાપનો બોજ વધતો જાય છે.
આ તમામ બાબતો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મનુષ્યને ડરાવવાનો નહીં, પરંતુ તેને સાચા માર્ગે વાળવાનો છે. જીવનમાં સત્ય, ઈમાનદારી અને સત્કર્મો જ એવા સાધનો છે જે મૃત્યુ બાદ જીવાત્માને શાશ્વત શાંતિ અપાવે છે.
(નોંધ: અહી આપેલી માહિતી એ માત્ર ધાર્મિક માન્યતાઓના આધારે અને હેતુથી આપવામાં આવી છે, સંસ્થા તેનું સમર્થન કરતી નથી.)