Thu Jul 23 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ- 15

2026-07-23 11:14:00
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

સોનલે ઘડિયાળ જોતાં કહ્યું, ‘તમને ઊંઘ નથી આવતી?’ 
‘મારી ઊંઘ તો ક્યારનીય ઊડી ગઈ છે. એવું થાય છે જાણે તમે બોલતા રહો અને હું સાંભળતો રહું. તમારી વાર્તા એટલી તો રોમાંચક છે કે પૂરી સાંભળ્યા વગર ચેન નહીં પડે. લાગે છે તમારી ટ્રેજીડી હવે શરૂ થવાની છે. મને તો તમને મોટા થતા જોવાના છે. આઈ મીન સાંભળવાનું છે.’ 

‘ઓહ ગોડ હું બોલી બોલીને થાકી જઈશ.’ 
‘જે ગણો તે. પણ આજે અહીં તમે જાહેર કર્યું તે પ્રમાણે તમે મારી વાઈફ છો. સાલ્લું કેવું વિચિત્ર કહેવાય. કોઈ કુંવારી છોકરી પોતે કોઈની વાઈફ છે એ જાણી જોઈને જાહેર કરે. તમને જરાય બીક ન લાગી?’ 

‘બીક શેની? રોજ એટલા બનાવો બને છે કે કોઈ કશું યાદ રાખતું નથી. કાલે છૂટા પડ્યા પછી બધા તમને, મને ભૂલી જશે. સનત, જો ડર ગયા સમજો વો મર ગયા.’ 

હિન્દી ફિલ્મો જોવાનો શોખ લાગે છે. જોકે તમારી કહાની ફિલ્મથી કમ નથી. 
‘તમને કોઈ સારો રાઈટર મળે તો મારી કહાની લખાવજો અને તમે ફિલ્મ બનાવજો. સાલ્લી ભૂખ લાગી છે અને ખાવાનું કંઈ નથી.’ 

‘કોણે કહ્યું કશું નથી? મેડમ તમારી સેવા કરવા માટે તો કુદરતે મારો મેળાપ કરાવ્યો છે. મારી પાસે વેફર્સ છે.’ 

‘ચાલો મને વેફર આપો. હું ખાઉધરી છું હોં.’
‘ચિંતા ન કરો. કહેશો તો બહાર જઈને હજુ વધુ લઈ આવીશ. મને કોઈ મહિલાની સેવા કરવાનું પુણ્ય મળશે.’ 

સોનલે સનત સામે તીરછી નજરે જોયું. પછી પેકેટ ખોલી સનત સામે ધરતા કહ્યું, ‘લ્યો, પછી કહેતા નહીં કે મને ઓફર પણ ન કરી. તમારી વેફર ચૂરો થઈ ગઈ છે. છતાં અત્યારે ચાલશે.’ 

‘પ્લીઝ. તમે ખાઓ. તમારા મોઢા પર સંતોષ દેખાય છે તે મને ગમે છે. હું એક સિગારેટ પી લઉં પછી જલ્દી તમારી સ્ટોરીને આગળ વધારો. તમારા બેય ભાઈઓને એમના મામા સુરત લઈ ગયા ત્યાં સુધી તમે પહોંચ્યા છો. તમે મને પૂછો તે પહેલા યાદ અપાવી દઉં.’

‘આભાર. પણ મને ખાતાં ખાતાં વાત કરવાનું ફાવશે નહીં. તમે મોજથી સિગારેટ ફૂંકો હું વેફર ખાઉં. હા, થોડીવાર એસી બંધ કરી બારી ખોલું, નહીંતર તમારી આ સોનેરી સળીનો ધુમાડો ફ્રીજ્ડ થઈ જશે.’ 

સોનલે ગોલ્ડ ફ્લેક માટે વાપરેલો સોનેરી સળી શબ્દ સાંભળી સનત એની સામે એકીટશે જોઈ રહ્યો. તેણે સિગારેટનો કશ લઈ બારીની સ્ટોપર ખોલવા પંજા પર ઊંચી થયેલી સોનલના ગાઉનમાં ઊપસી આવતા ગોળાકાર નિતંબને જોયા. એને થયું કે તે ઊઠે અને સોનલને પાછળથી બાથમાં લઈ લે. કદાચ પોતે અત્યારે આવું કરી બેસે તો સોનલની પ્રતિક્રિયા શું હોય? એ મને ચતુરાઈથી ટાળી દે કે પછી ગુસ્સે થઈ જાય? સાલ્લી કેવી સ્થિતિ છે. 

પહેલીવાર કોઈ સુંદર છોકરીની નીકટ આવવાનું થયું. એટલું નીકટ કે એક જ બેડ પર સૂવાનો મોકો મળ્યો છે. તેમ છતાં કંઈ જ થઈ શકે તેમ નથી. સ્ટોપર ખોલી સોનલે પાછળ જોયું. તેણે સનતની આંખોમાં આંખ નાખતા પુછ્યું, ‘શું વિચારતા હતા મને જોઈને?’ 
જાણે પોતાની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય તેમ સનતે આડું જોતાં કહ્યું, ‘કશું નહીં કેમ?’

મારી પીઠમાં તમારી નજર ભોંકાતી હોય એવું લાગ્યું. સોનલ કંઈક જુદી જાતનું હસી. સનત ઓજપાઈ ગયો. તેણે વિષય બદલાવતા કહ્યું, ‘ચલો શુરૂ હો જાઓ.’

બાબા જરા ઠહરો કહી સોનલે ડાબી હથેળીમાં વેફરનો ભુક્કો ઠાલવ્યો અને બુકડો ભરી મોઢામાં નાખતાં સનતને પાણીની બોટલ આપવાનો ઈશારો કર્યો. સનતે બોટલનું ઢાકણ ખોલી પોતે પાણી પીવડાવવા માગતો હોય તેમ જરા આગળ ઝુક્યો. તેના આશ્ચર્ય વચ્ચે સોનલ પણ ઝૂકી. સનતે બોટલ સોનલના હોઠ પર ધરી. સોનલે બે ઘૂંટડા ભર્યા. પછી સંતોષ થયો હોય તેમ આંખો મીંચી જરા ટટ્ટાર થઈને ઓશીકું ખોળામાં લીધું. સનતે હાથનો ઈશારો કરી ઊભો થયો અને બારી બંધ કરી સોનલની સામે બેસી ગયો.

સનત મારા બેઉ ભાઈઓને એમના મામા લઈ ગયા તે પછી દાદા એક વર્ષ સુધી પપ્પા સાથે બોલ્યા નહોતા. એ ગાળામાં જ મને અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરવામાં આવી. જ્યાં મારા બેઉ ભાઈઓ પણ ભણ્યા હતા. એડમિશનના દિવસે પ્રિન્સિપાલે વાતચિત દરમિયાન મમ્મીને અંગ્રેજીમાં કંઈક પૂછ્યું હશે. મમ્મી બિચારી શિયાવિયાં થઈ ગયેલી. જોકે પ્રિન્સિપાલે કદાચ ખાતરી કરવા જ પૂછ્યું હતું. કારણ કે ભાઈઓના એલ.સી. લેતી વખતે દાદાની સાથે ગયેલા પપ્પાના સાળાઓ ઘણું બાફી આવ્યા હતા. 

હું કે.જી.માં હતી તે વખતે મને શિક્ષકોના વ્યવહારની ખબર પડતી નહોતી. પણ મોટા થયા પછી મને ધીમે ધીમે ખબર પડતી ગઈ કે મને કેટલીક શિક્ષિકાઓ લફરાનું સંતાન ગણતી હતી. હું ભણવામાં એકદમ તેજ હતી. મારા વર્ગમાં હંમેશાં ટોપ પર રહેતી એટલે મારા તરફ કેટલાક શિક્ષકોને માન પણ હતું. હા, દાદાનું વર્તન હવે જરા કૂણું પડ્યું હતું. તે મને રમાડતા કે ક્યારેક ફરવા પણ લઈ જતા. અને કંઈક મારી મમ્મીની ચટાકેદાર રસોઈએ પણ દાદાને નરમ પાડ્યા હતા. 

આમ તો અમારા ઘરમાં રસોઈ મહારાજ બનાવે છે. પણ એકવાર મમ્મીએ દાળ બાટી બનાવી હતી. દાદાએ દાળ બાટી ચાખી ત્યારે તેમણે મહારાજને બોલાવીને પૂછેલું કે ‘આ તને કોણે શીખવાડ્યું છે?’ મહારાજે કહેલું કે, ‘આ મેં નહીં શેઠાણીએ બનાવી છે.’ તે દિવસે દાદાએ પહેલી વાર મારી મમ્મી સાથે સીધી વાત કરી હતી. એ દાદાની ઓગળવાની શરૂઆત હતી. ધીમે ધીમે દાદાને લસણવાળા શાકની આદત પડી ગઈ. એમને જ્યારે તીખું અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે મમ્મીને રસોઈ બનાવવાનું કહેવા લાગ્યા હતા. ઘરનું ડહોળાયેલું વાતાવરણ સ્થિર થવા માડ્યું હતું.

‘હું કોણ છું. ક્યાં છું, મારા મમ્મી પપ્પા ક્યા સંજોગોમાં ભેગા થયા, કયા સંજોગોમાં પરણ્યા એ બધું જ મારી મમ્મીએ મને ધીમે ધીમે સમજાવેલું. મારી મમ્મી એક ધીરજવાન શિક્ષકની જેમ મને સમજાવતી. મારા મમ્મી અને પપ્પા મને ખૂબ વહાલ કરતાં. ચાર વર્ષ નીકળી ગયાં. ચાર વર્ષમાં એકેય વાર મારા બેઉ ભાઈઓએ મુંબઈ આવવાની ઈચ્છા દર્શાવી નહીં. મારા દાદા અને પપ્પા સુરત જઈને મળી આવતા.’ 

હું ત્રીજા ધોરણમાં હતી એ વખતે એક અગત્યનો બનાવ બન્યો. 
‘મારી શાળામાં એક કોમ્પિટિશન હતી. આમ તો મારાથી બે ધોરણ ઉપરના વિદ્યાર્થીઓ માટે હતી. તેમ છતાં મારી ટીચરે મને ભાગ લેવડાવ્યો. તમને નવાઈ લાગશે એ કોમ્પિટિશનમાં હું પ્રથમ આવી. કોમ્પિટશનનું પ્રાઈઝ આપવાનો કાર્યક્રમ યોજાયો ત્યારે મારા પપ્પા બહાર હતા. મારી સાથે મમ્મી અને દાદા આવેલા. 

પ્રાઈઝ લેવા સ્ટેજ પર મમ્મી પપ્પાને પણ આવવાનું હતું. મારી સાથે મારી મમ્મી આવી. જોકે મારી કહાનીથી વાકેફ એવા કેટલાક લોકો મારી મમ્મીને તાકીને રહ્યા હતા. ચુલબુલી લેડી એનાઉન્સરે અંગ્રેજીમાં મારી મમ્મીને પ્રશ્ન કર્યો કે, તમે તમારી બાળકીને કેવી રીતે મોટીવેટ કરો છો? મારી મમ્મી એ પ્રશ્ન સમજી શકી નહોતી. પણ મારી મમ્મી જરાય ડરી નહોતી. એના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ હતો. તેણે કહેલો એકેએક શબ્દ મને હજુ યાદ છે.’

‘દેખિયે બહનજી આપને મુઝે ક્યા પૂછા હૈ વો મૈ નહી સમજ પાઈ હું. ક્યોં કી મૈં ઈંગ્લીશ બિલકુલ નહીં જાનતી. અરે ઈંગ્લીશ ક્યા મૈં તો ઠીક સે ગુજરાતીભી નહીં બોલ પાતી. મેરી બેટીને આજ જો ઈનામ પાયા હૈ વો સારી મેહનત ઈસ ઈસ્કુલકી હૈ. મૈ મેરી બચ્ચીકો પઢાને વાલે સભી શિક્ષકોં કો પ્રણામ કરતી હું. મેરી બચ્ચીકી પરવરીશ મૈ જરૂર કરતી હું લેકીન ઉસકો પઢા નહીં પાતી. વો કામ ઈસકે પાપા ઔર દાદાજી કરતે હૈં. સોનલ કે દાદાજી યહાં પર ઈસ વક્ત મૌજુદ હૈં. આપસે મેરી વિનતી હૈ. અગર એતરાજ ન હો તો મૈં મેરે પુજ્ય સ્વસુરજી કો યહાં પર બુલાના ચાહતી હું. ઉન્હી કે સાથ એક તસ્વીર ખીચવાના ચાહતી હું.’ 

મમ્મી આટલું બોલી અને આખા હોલમાં તાળીઓનો ગડગડાટ પથરાઈ ગયો. એનાઉન્સરે મારા દાદાનું નામ બોલીને એમને સ્ટેજ પર આવવાની વિનંતી કરી. દાદાને ઘડીભર તો સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. દાદા સ્ટેજ પર આવ્યા. ફોટોગ્રાફરે ફોટો પાડ્યો. હું રોમાંચિત હતી. દાદા ખુશ હતા. તેમણે એનાઉન્સરના હાથમાંથી માઈક લઈ પોતાના તરફથી સ્કૂલને પચાસ હજારનું દાન જાહેર કરી દીધું. હોલ ફરી તાળીઓથી ગુંજી ઉઠ્યો. એ દિવસે મને પહેલીવાર એવું લાગ્યું કે એ મારા દાદા છે. મમ્મીના હાથનું ખાવા તૈયાર નહોતા એ દાદા મમ્મીને હોટેલમાં લઈ ગયા. મોડી રાતે અમે પાછા ફર્યા. તે પછી શાળામાં હું એક અગત્યની વિદ્યાર્થિની બની ગઈ. 

દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય કે તે જે ઘરમાં પરણીને જાય ત્યાં બધાને એ પ્રિય હોય. એ સમજી ગઈ હતી કે દાદા એને પૂર્ણપણે કદી નહીં સ્વીકારે. તેના મનમાં એવી ઈચ્છા હશે કે પોતાના સસરા સાથે તેનો એક ફોટો હોય. એ ઘટના મારી મમ્મીની સીક્સ્થ સેંન્સનું પરિણામ હતું કે બીજું કંઈ. પણ એ તસ્વીર મમ્મીના જીવનની એક યાદગાર તસ્વીર છે. કદાચ મમ્મીને એવું પણ લાગ્યું હોય કે તે લાંબું જીવવાની નથી અને તેને ફોટો પડાવવાની ઈચ્છા થઈ હોય બનવા જોગ છે. 

‘મમ્મી તરફ તમારા દાદાનો એટીટ્યૂડ એવો જ રહ્યો કે બદલાયો?’ 
‘એ થોડા નરમ પડ્યા તે છતાંય નમી દેવા તૈયાર નહોતા. તેમને વાંધો એટલો જ હતો કે મારી મમ્મીને કારણે એમના બે પૌત્ર એમનાથી છૂટા પડી ગયા હતા. જો મમ્મી કોઈ ઉંચી ગણાતી જાતિ અને પૈસાદાર ઘરમાંથી આવતી હોત તો કદાચ ચિત્ર જુદું હોત. મારા પપ્પા સિવાય મમ્મીને બીજું કોઈ ચાહતું હોય તો એ હું હતી.’ 

‘તમારા પેલા બે ભાઈઓ તમને બહેન તરીકે ચાહતા હતા કે નહીં?’ 
સનત મારા ભાઈઓ મારી સાથે મોટા થયા હોત તો કદાચેય મને ચાહી શક્યા હોત. ક્યારેક આશ્ર્ચર્ય થાય કે માણસો મોટી મોટી ડિગ્રીઓ લે છે તે છતાંય અભણ જ રહે છે. કમલામાના પિયરના લોકોની અંદર એટલો વેરાગ્ની ભરેલો હતો કે તેમણે મારી મમ્મીને તો ઠીક મને પણ સ્વીકારી નહીં. એમની મામીઓ ભયંકર ડંખીલી છે. એમણે પોતાના ભાણેજોને ચોખ્ખું કહી દીધેલું કે મને બહેન માનવી જ નહીં. 

તમને કદાચ આઘાત લાગશે પણ એ બેઉ જણે કદી મારી પાસેથી રાખડી બંધાવી નથી. તેઓ સુરતથી અમારી સાથે રહેવા આવ્યા પછી પહેલી રક્ષાપૂનમ આવી તે વખતે બેય જણ સુરત ચાલ્યા ગયા હતા. પણ બીજા વર્ષે ઘરમાં બખેડો થયો. હું એ દિવસે રાખડીઓ લઈ આવી હતી. મમ્મીએ જ મને કહેલું. મારા બેઉ ભાઈઓને સવારે રાખડી બાંધવાનું મેં સામેથી કહ્યું. ત્યારે મોટાએ એવી ભાષામાં મને ધમકાવી નાખી કે હું રડી પડેલી. 

બસ ત્યારથી મેં કદી એમને રાખડી બંધાવવાનું કહ્યું નથી. એટલું જ નહીં તેમણે બેય જણાએ લવમેરેજ કરેલા છે. એમના રીસેપ્શન વખતે એમની બાજુમાં બહેન તરીકે બેસવાની મને અગાઉથી જ ના પાડી દેવામાં આવેલી. મોટો મારાથી દસ વર્ષ અને નાનો આઠ વર્ષ મોટો છે. એ બેય આમ તો મારા ભાઈઓ છે તેમ છતાં હું જ્યારે યુવાનીમાં આવી પછી તેમનો મને રીતસર ડર લાગતો.

‘તમારા પપ્પાએ એ બાબતમાં કોઈ દરમ્યાનગીરી કે સમજાવટ કરી નહોતી?’ 
‘પપ્પા એમને કહેવાની કોઈ સ્થિતિમાં જ નહોતા. મેં કહ્યું ને કે રૂપાળી સ્ત્રી પપ્પાની નબળાઈ છે. એક ઓર સ્ત્રી પપ્પાની જિદગીમાં ગુપચુપ આવી ગઈ હતી, જેની મમ્મીને જરાય ખબર નહોતી.’  
સનત જરા ચોંકીને સોનલ સામે જોઈ રહ્યો. (ક્રમશ:)