હાલમાં જ દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાથ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયેલી કાર્યવાહી અંગે સવાલ ઉઠાવતા તેમણે આ કાળી પટ્ટી બાંધીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે, આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને જાહેર જીવનમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ? અને તેનો ઈતિહાસ શું છે?
કાળી પટ્ટી બાંધી વિરોધ કરવાની શરૂઆત ક્યાંથી થઈ?
હાથ પર કાળી પટ્ટી બાંધવી એ સદીઓથી શોક, વિરોધ અને અસંમતિ દર્શાવવાનું એક મૌન અને શાંતિપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે. પરંતુ તેને વૈશ્વિક સ્તરે સત્તાવાર ઓળખ વર્ષ 1965માં અમેરિકામાં થયેલા એક વિદ્યાર્થી આંદોલનથી મળી હતી. એ સમયે અમેરિકા અને વિયેતનામ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, અને યુદ્ધના વિરોધમાં કેટલાક શાળાના વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી પહેરીને શાંતિપૂર્ણ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું.
કોણે કર્યો હતો આ પ્રથમ પ્રયોગ?
ડિસેમ્બર 1965માં અમેરિકાના આયોવા (Iowa) રાજ્યના ડેસ મોઇન્સ (Des Moines) શહેરમાં 13 વર્ષીય મેરી બેથ ટિંકર (Mary Beth Tinker), તેમના 15 વર્ષીય ભાઈ જોન ટિંકર (John Tinker) અને મિત્ર ક્રિસ્ટોફર એકહાર્ટે વિયેતનામ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરવા અને શાંતિની અપીલ કરવા કાળી પટ્ટી પહેરીને શાળાએ જવાનો નિર્ણય કર્યો.
જ્યારે શાળા પ્રશાસનને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે જાહેરાત કરી કે જે પણ વિદ્યાર્થી કાળી પટ્ટી પહેરીને આવશે તેને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી ઘરે મોકલી દેવાશે. તેમ છતાં આ વિદ્યાર્થીઓ ડર્યા વગર કાળી પટ્ટી બાંધીને સ્કૂલે પહોંચ્યા અને શાળાએ તેમને ઘરે પાછા મોકલી દીધા.
અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કિસ્સો
શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આ મામલો 'અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન' (ACLU) ની મદદથી અદાલતમાં પહોંચ્યો. લગભગ ચાર વર્ષ સુધી કાનૂની લડાઈ ચાલી. આખરે 24મી ફેબ્રુઆરી 1969ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે 7-2ની બહુમતીથી વિદ્યાર્થીઓના પક્ષમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો.
આ કેસ 'Tinker v. Des Moines' તરીકે જાણીતો બન્યો. અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Expression)નો અધિકાર છે અને માત્ર શાંતિપૂર્ણ રીતે કાળી પટ્ટી પહેરવાના કારણે તેમને સજા આપી શકાય નહીં. બસ ત્યાર બાદથી જ આ નિર્ણય સમગ્ર વિશ્વભરમાં અભિવ્યક્તિની આઝાદી માટેનો એક મુખ્ય આધારસ્તંભ બની ગયો.
જોન ટિંકરે શું અનુભવ શેર કર્યો હતો?
જોન ટિંકરે બાદમાં પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, શાળાએ જતી વખતે હું ખૂબ ગભરાયેલો હતો. મેં કાળી પટ્ટી મારા ખિસ્સામાં રાખી હતી અને સ્કૂલે પહોંચ્યા પછી હિંમત ભેગી કરીને પહેરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ મારી મજાક ઉડાવી, તો કેટલાકે સમર્થન પણ આપ્યું. પ્રિન્સિપાલના કહેવા છતાં તેમણે પટ્ટી હટાવવાનો ઇનકાર કર્યો હતો. આ જ નાનકડી હિંમતે આગળ જઈને વિશ્વભરમાં શાંતિપૂર્ણ વિરોધનું આંતરરાષ્ટ્રીય પ્રતીક બની ગયું છે...