મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બે ડોક્ટરો અને હોસ્પિટલના કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપી શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. હાઈકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા જામીન પરના સ્ટેને હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ હોવા છતાં તેમનું વર્તન અત્યંત ગંભીર અને અસ્વીકાર્ય હતું.
સુનાવણી દરમિયાન, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની ખંડપીઠે જણાવ્યું હતું કે નગરસેવક રમેશ મ્હાત્રેએ એક મહિલા ડૉક્ટર સહિત અનેક લોકો પર હુમલો કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે તમે મહિલાઓ અને ડૉક્ટરો પર હુમલો કર્યો, તેમને હજુ થોડો સમય જેલમાં રહેવા દો.
મ્હાત્રે વતી હાજર રહેલાં વકીલ સના રઈસ ખાને દલીલ કરી હતી કે તેમના અસીલ 73 વર્ષના છે, વિવિધ બીમારીઓથી પીડાય છે અને હવે પોલીસ કસ્ટડીમાં તેમની જરૂર નથી. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી. કોર્ટે જણાવ્યું હતું કે હુમલાના વાઈરલ વીડિયોમાં મ્હાત્રેની હરકતો કોઈ વૃદ્ધ વ્યક્તિને બદલે 25 વર્ષના યુવાન જેવી જણાતી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માત્ર ઉંમરના આધારે રાહત આપી શકાય નહીં.
સુનાવણી દરમિયાન કોર્ટે એવું પણ ઉમેર્યું હતું જનપ્રતિનિધિની ફરજ લોકોની સેવા કરવાની છે, તેમના પર હુમલો કરવાની નહીં. બેન્ચે સવાલ કર્યો હતો કે જો કોઈ વકીલ તેમનો કેસ લડવાનો ઇનકાર કરે, તો શું તેઓ તે વકીલ પર પણ હુમલો કરશે? કોર્ટે આ સમગ્ર ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આ મામલે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી.
આ ઘટના 6 જુલાઈની છે, જ્યારે ડોમ્બિવલીની એક ખાનગી હોસ્પિટલમાં રમેશ મ્હાત્રે અને તેમના સમર્થકો કથિત રીતે ઘૂસી ગયા હતા અને બે ડોક્ટરો જેમાં એક મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે તથા અન્ય સ્ટાફ સભ્યો પર હુમલો કર્યો હતો. હોસ્પિટલની એનઆઈસીયુ સુવિધા સંપૂર્ણ ભરાઈ ગઈ હોવાનું જણાવીને હોસ્પિટલે એક પરિવારના નવજાત શિશુને દાખલ કરવાનો ઇનકાર કર્યો હોવાના આક્ષેપ બાદ આ ઘટના બની હતી.
પોતાના બચાવમાં મ્હાત્રેએ જણાવ્યું હતું કે તેણે મહિલા ડૉક્ટર પર હુમલો કર્યો નહોતો. તેણે દાવો કર્યો હતો કે મહિલા તેમની વાત સાંભળતી ન હોવાથી તેમણે માત્ર તેમના હાથમાં રહેલા મોબાઈલ ફોન પર થપ્પડ મારી હતી.
હુમલાની ઘટનાના બે દિવસ બાદ પોલીસે રમેશ મ્હાત્રેની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટે 14 જુલાઈએ તેમને જામીન આપ્યા હતા, જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે તે જામીન રદ કરી તેમને શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશને પગલે મ્હાત્રેએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને કલ્યાણની અદાલતે તેમને 3 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. હવે તેમની જામીન અરજી પરની આગળની સુનાવણી સોમવારે યોજાશે.