રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં આંશિક મેઘમહેર થતા કુલ 9 ડેમમાં નવી નીર આવ્યા છે. નાના-મોટા થઈને કુલ 26 ડેમમાં નવા પાણી આવ્યા છે. ગુરૂવારે છેલ્લા 24 કલાક પૂરા થતા સૌરાષ્ટ્રના 83માંથી 9 ડેમમાં નવા પાણીની આવક થઈ છે.જ્યારે 26 ડેમ સાઈટ પર 35 મીમી સુધી વરસાદ નોંધાયો છે. રાજકોટ ફ્લડ સેલના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ જિલ્લાના આજીમાં 0.23 ફૂટ ન્યારી-1માં 0.16 ફૂટ, ન્યારી 2માં 0.33 ફૂટ નવું પાણી આવ્યું છે.

મોરબી જિલ્લામાં વરસાદથી સર્વત્ર ઠંડક
મોરબી જિલ્લાના મચ્છુમાં 0.26 ફૂટ, મચ્છુ-2માં 0.26 ફૂડ, ઘોડાધ્રોઈમાં 0.33 ફૂટ, બ્રહ્માણીમાં 0.20 ફૂડ, બ્રહ્માણી-2માં 1.80 ફૂડ, મચ્છુ-3માં 0.92 ફૂટ પાણી નોંધાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના ભોગાવો-1માં 0.20 ફૂટ પાણીની આવક થઈ છે. કુલ 26 ડેમમાં દોઢથી બે ઈંચની નવા નીરની આવક થઈ છે. આ સિવાય ભાદર, ફોફળ અને આજીમાં નવા નીર આવતા ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હવે નહીવત બની રહેશે. આ સિવાય સુરાવોમાં પાંચ મીમી, ગોંડલીમાં 5 મીમી, છાપરાવાડી-2માં 2 મીમી પાણીની આવક થઈ છે. ઈશ્વર્યા વિસ્તારમાં દોઢથી બે ઈંચ વરસાદ થતા સર્વત્ર પાણી પાણી થયું છે.
ગત વર્ષ કરતા ઓછો વરસાદ
કરમાળમાં પાંચ ઈંચ, કર્ણુકીમાં પોણો ઈંચ, માલગઢમાં ડેમ સાઈટ પર પાંચ મીમી પાણીની આવક થઈ છે. જામનગરના સસોઈમાં 10 મીમી,ડાણી મીણસરમાં 10 મીમી પાણીની આવક થઈ છે. રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના આઠ ડેમ પર પાંચ મીમીથી દોઢ ઈંચ સુધીનો વરસાદ થતા ડેમમાં નવા પાણી આવ્યા છે. બુધવારે સવારે અને મોડી રાત્રે ભેજનું નોંધપાત્ર પ્રમાણ વાતાવરણમાં જોવા મળ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થતા ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગુરૂવારે વહેલી સવારથી સતત અને સખત વરસાદ થતા અનેક વિસ્તારોમાં સ્થિતિ જળબંબાકાર થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં આ વર્ષે ગત વર્ષની તુલનાએ વરસાદ ઓછો પડી રહ્યો છે