નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે હવે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને અપીલ કરી છે. તેમણે એક્સ પર વિદ્યાર્થીઓ અને સોનમ વાંગચુક બંનેને ખાસ અપીલ કરી છે. તેમણે વિદ્યાર્થીઓને ચિંતા કર્યા વિના ઘરે પાછા ફરવા વિનંતી કરી અને સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ પૂર્ણ કરવા માટે વિનંતી કરી છે.
શિક્ષણ અને સલામતી બંને ટોચની પ્રાથમિકતા
આ અંગે ગુરુવારે રાત્રે સલમાને એક્સ પર લખ્યું હતું કે, વિદ્યાર્થીઓનું શિક્ષણ અને સલામતી બંને ટોચની પ્રાથમિકતા છે. તેથી તેમણે કે તેમના માતાપિતાએ ચિંતા કરવાની જરૂર નથી. વડાપ્રધાને આ અંગે ખાતરી આપી છે અને મને વિશ્વાસ છે કે તેઓ આ પેપર લીક માટે જવાબદાર દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરશે. તેથી વિદ્યાર્થીઓ કૃપા કરીને તમારા માતાપિતા પાસે ઘરે પરત ફરો.
સોનમ બહુ થયું આને વધુ ખેંચશો નહીં
સલમાન ખાને આગળ લખ્યું કે, સોનમ બહુ થયું આને વધુ ખેંચશો નહીં. જો જરૂર પડે તો જુસ્સાને અન્ય દિવસ માટે સાચવી રાખો. તેમજ કશું ખાઇ પી લો. જો તમે ઇચ્છો તો હું ઘરેથી ભોજન મોકલું.
વિદ્યાર્થીઓને ટેકો વ્યક્ત કરવા પોસ્ટ કરી હતી
આ પૂર્વે સલમાન ખાને બુધવારે પણ એક ટ્વીટ કર્યું હતું. આ મામલે પોતાનું મૌન તોડતા વિદ્યાર્થીઓને ટેકો વ્યક્ત કરવા માટે એક્સ પર એક લાંબી પોસ્ટ લખી અને આ મુદ્દે રાજકારણ ન કરવા વિનંતી કરી હતી.