Fri Jul 24 2026

Logo

અમેરિકી ટૅરિફ અને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ વચ્ચે ઈક્વિટી માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં પીછેહઠ, સેન્સેક્સમાં વધુ 331 પૉઈન્ટનો ઘટાડો

2026-07-24 21:25:13
Author: Ramesh Gohil
Article Image

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3892.77 કરોડની ચોખ્ખી વેચવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ વચ્ચે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા તેજીના વલણને કારણે ફૂગાવામાં થનારા અપેક્ષિત વધારાની અને અમેરિકી ટૅરફની નવેસરથી ઊભી થયેલી ચિંતા ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનુ દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહ્યું હતું. આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન 916.96 પૉઈન્ટ ગબડ્યા બાદ અંતે 331.62 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બેન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન 263.60 પૉઈન્ટ ઘટ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 102.15 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં પાંચ સત્રમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 2091.68 પૉઈન્ટ અથવા તો 2.67 ટકાનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 566.85 પૉઈન્ટ અથવા તો 2.32 ટકાનો કડાકો બોલાઈ ગયો છે. 

વધુમાં એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 11,123.86 કરોડની ખરીદી સામે રૂ. 15,016.63 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3892.77 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 18,959.43 કરોડની ખરીદી સામે રૂ. 13,505.88 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5453.55 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાથી બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઘટાડો મર્યાદિત માત્રામાં નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 76,391.39ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 75,708.19ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 75,474.43 અને ઉપરમાં 76,210.95ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.43 ટકા અથવા તો 331.62 પૉઈન્ટ ઘટીને 76,059.77ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,869.60ના બંધ સામે 23,666.35ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,606.30થી 23,823.60ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.43 ટકા અથવા તો 102.15 પૉઈન્ટના ઘટાડા સાથે 23,767.45ના મથાળે બંધ રહ્યો હતો. 
પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ ઉપરાંત ફરીથી અમેરિકી ટૅરિફની ચિંતા સપાટી પર આવતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈ આગળ ધપી હતી. જોકે, આજે ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ જોવા મળી હોવા છતાં એશિયન બજારોમાં પણ પીછેહઠ જોવા મળી હોવાથી બજારને કળ નહોતી વળી, એમ એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું. 

તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગનાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે ભૂરાજકીય તણાવ, ક્રૂડતેલના વધતા ભાવ અને અમુક લાર્જકેપ કંપનીઓના પરિણામો નિરાશાજનક આવ્યા હોવાથી ભારે ચંચળતાને અંતે સતત પાંચમાં સત્રમાં બજારમાં પીછેહઠ જોવા મળી હતી. પશ્ચિમ એશિયાના તણાવને કારણે વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ફરી બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી જતાં ફુગાવામાં વધારો થવાની ભીતિ હેઠળ રોકાણકારોનું માનસ ખરડાયેલુ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 3.66 ટકા ઘટીને બેરલદીઠ 96.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાની સ્થાનિક આર્થિક સ્થિતિ પર માઠી અસર પડે તેમ હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન બજારમાં નકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમર્યું હતું કે ભૂરાજકીય તણાવ ઉપરાંત અમેરિકામાં થતી આયાત સામે ટૅરિફની ચિંતા પણ સપાટી પર આવતા નિકાસલક્ષી અર્થતંત્રો પર માઠી અસર થવાની ભીતિને ધ્યાનમાં લેતા ટેક્નોલૉજી-હેવી માર્કેટો હવે ઊભરતી બજારો પર વિકેન્દ્રિત થાય તેવી શક્યતા જણાય છે. 

આજે બીએસઈ ખાતે કુલ 4385 શૅરમાં કામકાજ થયા હતા. જેમાંથી 1999 શૅરના ભાવ વધીને, 2185 શૅરના ભાવ ઘટીને અને 201 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ કુલ 93 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 99 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 10 શૅરના ભાવ વધીને અને 20 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ એચસીએલ ટેક્નોલૉજીમાં 2.08 ટકાનો વધારો થયો હતો. ત્યાર બાદ અનુક્રમે આઈટીસીમાં 0.78 ટકાનો, ટ્રેન્ટમાં 0.60 ટકાનો, ટીસીએસમાં 0.52 ટકાનો, એક્સિસ બૅન્કમાં 0.42 ટકાનો અને ટેક મહિન્દ્રામાં 0.41 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં બજાજ ફાઈનાન્સમાં 2.58 ટકાનો, ઈટર્નલમાં 2.34 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.10 ટકાનો, ભારતી એરટેલમાં 1.66 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 1.15 ટકાનો અને ઈન્ફોસિસમાં 1.03 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ મિકેપ ઈન્ડેક્સ 0.46 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.08 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ઑટો ઈન્ડેક્સ 0.96 ટકા, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ 0.90 ટકા, પાવર ઈન્ડેક્સ 0.67 ટકા, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી અને ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સ 0.65 ટકા, રિઅલ્ટી ઈન્ડેક્સ0.54 ટકા, મેટલ ઈન્ડેક્સ0.50 ટકા અને એનર્જી ઈન્ડેક્સ 0.39 ટકા ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 1.30 ટકા, આઈટી ઈન્ડેક્સ 0.66 ટકા, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ 0.65 ટકા, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્કસ ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સ 0.46 ટકા, ઈન્સ્યોરન્સ ઈન્ડેક્સ 0.43 ટકા અને એફએમસીજી ઈન્ડેક્સ 0.20 ટકા વધીને બંધ રહ્યો હતો. 

એશિયન બજારોમાં આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 5.72 ટકાનો, કડાકો બોલાયો હતો. તેમ જ શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ નરમાઈના ટોને બંધ રહ્યા હતા. જોકે, યુરોપના બજારોમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.