(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા પૂર્વમાં આવેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડનું મુખ્યાલય પ્રકાશગઢમાં શુક્રવારે બપોરના આગ ફાટી નીકળી હતી, જેના કારણે કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગને કારણે આખી ઇમારત ખાલી કરાવવામાં આવી હતી. આગને કારણે ત્રણ કર્મચારીઓને ગૂંગળામણ થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર શુક્રવારે બપોરના મુખ્યાલયની બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી હતી.
છઠ્ઠા માળેથી ગાઢ ધુમાડો નીકળવા લાગ્યો હતો, તેની સાથે તીવ્ર સળગતી ગંધ પણ આવવા માંડી હતી, જેના કારણે કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો.બિલ્ડિંગના કેટલાક ભાગોમાં ધુમાડો ફેલાતાં અધિકારીઓએ તાત્કાલિક સ્થળાંતર શરૂ કર્યું હતું અને સાવચેતીનાં પગલાં તરીકે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટનાની માહિતી મળતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ પાંચ ફાયર એન્જિન સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા અને તેને ઇમારતના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવવા માટે ફાયર ફાઇટરોએ કામગીરી શરૂ કરી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અધિકારીઓએ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા પછી વિગતવાર તપાસ પછી આગ લાગવાનું કારણ નક્કી જાણી શકાશે એવું ફાયરબ્રિગ્રેડના અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમારતને સમયસર ખાલી કરાવવાથી મોટી દુર્ઘટના ટાળવામાં મદદ મળી હતી. મોડે સુધી બિલ્િંડગમાં કૂલિંગ કામગીરી ચાલી હતી. પ્રકાશગઢ મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડનું મુખ્યાલય છે. રાજ્યના પાવર સેક્ટર રેગ્યુલેટરના મુખ્ય મથક તરીકે સેવા આપે છે અને તેમાં અનેક વહીવટી કચેરીઓ આવેલી છે. આ ઘટનાથી કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાથી સત્તાવાર કાર્યમાં અસ્થાયી રૂપે વિક્ષેપ પડ્યો હતો.
MAHAVITARAN