મુંબઈ: બીએચએમએસ અને સીસીએમપીની ડિગ્રી ધરાવતા ડોક્ટરો માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. તબીબી શિક્ષણ ખાતાના પ્રધાન હસન મુશરીફ દ્વારા આવી ડિગ્રી ધરાવતા ડોક્ટરોની રજીસ્ટ્રેશન પ્રક્રિયાને ઝડપથી શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. તેમણે સબંધિત અધિકારીઓને સરકારી નિર્ણયો અને સબંધિત કાયદાઓના નિયમોનું પાલન કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બીએચએમએસ અને સીસીએમપીની ડિગ્રી ધરાવતા ડોક્ટરોને એલોપેથીની દવા આપવા સામે એમબીબીએસ ડોક્ટરોનો િવરોધ છે. તેમનું માનવું છે કે આનાથી દર્દીના આરોગ્ય પર જોખમ ઉભું થઈ શકે છે.
બીએચએમએસ અને સીસીએમપી ક્વોલિફાય ડોક્ટરોની નોંધણીની પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવા માટે મંત્રાલયમાં તબીબી શિક્ષણ પ્રધાન ની અધ્યક્ષતા હેઠળ ગુરુવારે એક બેઠક આયોજિત કરવામાં આવી હતી. જેમાં તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગના કમિશનર અનિલ ભંડારી, આયુષ નિર્દેશાલયના નિર્દેશક સાપલે સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
તબીબી શિક્ષણ ખાતાના પ્રધાન મુશરીફે બેઠક બાદ કહ્યું હતું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મંતવ્યો અનુસાર નોંધણીની પ્રક્રિયા બીએચએમએસ અને સીસીએમપી સાથે એક અલગ રજીસ્ટેશન રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત નક્કી થશે કે કાયદેસર પાત્રતા ધરાવતા ડોક્ટરોને ક્યા રોગના ઈલાજ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. તબીબી શિક્ષણ ખાતાના પ્રધાને કાયદેસર પાસાઓ અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો પર વિચાર કરીને નોંધણીની પ્રક્રિયાને તાત્કાલિક પૂર્ણ કરવાનો નિર્દેશ બેઠકમાં આપ્યો હતો