મુંબઈ: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે કોકરોચ જનતા પાર્ટી દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. મહારાષ્ટ્રમાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શુક્રવારે શિવાજી પાર્ક ખાતે ફરી એકવાર વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિવસેના ઠાકરે જૂથ દ્વારા તિરંગા મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. શિવાજી પાર્ક ખાતે યુવાનો એકઠા થયા. મોરચાને સંબોધિત કરતી વખતે શિવસેના પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ભાજપને પડકાર ફેંક્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'આ તિરંગા સામે લડવાની હિંમત આજ સુધી કોઈએ કરી નથી. તમે લાકડીઓ લઈને આવો, તમે બંદૂકો લઈને આવો, અમે તમારી સામે તિરંગો લઈને આવીશું. ચાલો જોઈએ કે તિરંગો જીતે છે કે તમારી તાનાશાહી. દિલ્હીમાં જે રીતે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો એ જોયા પછી મારે સરકારને એટલું જ કહેવું છે કે તમારા હાથમાં બંદૂકો છે, ડંડા છે, પરંતુ અમારા હાથમાં તિરંગો છે.
દરમિયાન, આ આંદોલનને વિદ્યાર્થીઓ તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો. આ તિરંગા મોરચા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ઉદ્ધવ ઠાકરેની સાથે વિધાન સભ્ય આદિત્ય ઠાકરે, મનસે નેતા અમિત ઠાકરે, શિવસેના સાંસદ સભ્ય સંજય રાઉત, શર્મિલા ઠાકરે પણ હાજર રહ્યા હતા. તુષાર ગાંધી પણ મોરચામાં જોડાયા હતા. આદિત્ય ઠાકરેએ કહ્યું કે 26 જુલાઈએ આવી જ રીતે તિરંગા મોરચો નીકળશેઅને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાથી શરૂ થઈ સિદ્ધિવિનાયક પહોંચશે. મોરચામાં કોઈ રાજકીય ભાષણો નહીં હોય, કોઈ રાજકીય બેનરો નહીં હોય. અમે ફક્ત દેશભક્તિ માટે તિરંગા લઈને નીકળવાના છીએ.