Fri Jul 24 2026

Logo

નાણાકીય વર્ષ 2027માં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 10થી 12 ટકા વધારાની શક્યતાઃ ઈન્ડિયા રેટિંગ્સ

2026-07-24 21:14:04
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રનું નોંધપાત્ર સ્તરે વિસ્તરણ થઈ રહ્યું છે અને ગત નાણાકીય વર્ષમાં ખાસ કરીને ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોની વેચાણ વૃદ્ધિને ટેકે કુલ 8.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી અને આ વર્ષે પણ વેચાણમાં 10થી 12 ટકાની વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતા અગ્રણી રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે વ્યક્ત કરી છે. એજન્સીના મતાનુસાર ઈલેક્ટ્રિફિકેશનનું અર્થશાસ્ત્ર આકર્ષક હોવાને કારણે ઈલેક્ટ્રિક વાહનોની સ્વીકૃતિ મજબૂત રહેશે.

ઓછો ઓપરેટિંગ ખર્ચ, ઘરમાં ચાર્જિંગના વિકલ્પો અને વર્તમાન ઑટો ઉત્પાદકો તરફથી વધી રહેલા ઉત્પાદનના અથવા તો મૉડૅલોના પોર્ટફોલિયોને ધ્યાનમાં લેતાં ગત નાણાકીય વર્ષમાં દ્વિચક્રી વાહનોની સ્વીકૃતિ જે 6.6 ટકા હતી તે વર્તમાન નાણાકીય વર્ષમાં વધીને આઠ ટકા આસપાસ રહેવાનો અંદાજ ઈક્રાએ મૂક્યો છે. તે જ પ્રમાણે ઈલેક્ટ્રિક ત્રિચક્રી વાહનોમાં પણ વેપારી ધોરણના ઓપરેટરો માટેના ઈલેક્ટ્રિક વાહનોમાં આર્થિક પોસાણક્ષમ ઓપરેટિંગ ખર્ચ અને સરકારી ટેકો જળવાઈ રહેતાં સ્વીકૃતિનો દર જે આગલા નાણાકીય વર્ષમાં 59 ટકા હતો તે વધીને 62થી 65 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

જોકે, લાંબા અંતરના મોબિલિટી સેગ્મેન્ટમાં ઈલેક્ટ્રિફિકેશન અંગે એજન્સીએ જણાવ્યું હતું કે આ સેગ્મેન્ટમાં પ્રગતિ વધુ મક્કમ ગતિએ થશે. કેમ કે ગ્રાહકો ઉચ્ચ સંપાદન ખર્ચ, ચાર્જિંગ માટેના એક્સેસ અને ડ્રાઈવિંગની રેન્જની આકારણી અથવા તો મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. તેમ છતાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનો નાના આધાર (બેઝ)થી મજબૂત વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા છે. ઉત્પાદકો દ્વારા નવાં મૉડૅલોની રજૂઆતને ટેકે ગત નાણાકીય વર્ષમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોની સ્વીકૃતિ જે 4.4 ટકા હતી તેની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં છથી આઠ ટકા આસપાસની જોવા મળી શકે છે. 

વધુમાં એજન્સીના મતાનુસાર ઊંચી આવક ધરાવતા અને શહેરી વિસ્તારોમાં સ્વીકૃતિ કેન્દ્ર સ્થાને રહેવાની અપેક્ષા છે. તેમ જ ગત સાલ ઈ-બસની સ્વીકૃતિનો દર જે 4.37 ટકા હતો તે વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને મજબૂત ઓર્ડરબૂક અને સરકારી ખરીદી કાર્યક્રમોને ટેકે વધીને છ ટકા આસપાસ રહેશે. જોકે, રાજ્ય પરિવહન ઉપક્રમોમાં ઈલેક્ટ્રિક બસોનાં ડિપ્લોયમેન્ટની માળખાકીય તૈયારી પર અવલંબિત રહેશે. 

અનુકૂળ માલિકી ખર્ચ, આર્થિક પોસાણક્ષમતામાં વધારો, મૉડૅલોની રેન્જમાં વૃદ્ધિ અને વધી રહેલી ગ્રાહકોની સ્વીકૃતિને ટેકે એકંદરે ભારતનું ઈલેક્ટ્રિક વાહનોનું બજાર સ્વસ્થ વૃદ્ધિદર દાખવવાની ક્ષમતા ધરાવે છે. ભારતના ઈલેક્ટ્રિક વાહનોના વિકાસનો આગામી તબક્કો એક મજબૂત વેલ્યૂ ચેઈન પર અવલંબિત છે. ભારત આયાત નિર્ભરતા ઘટાડીને ઈલેક્ટ્રિક વાહનોના કમ્પોનન્ટ્સમાં ખાસ કરીને બેટરીઝ અને તેને લગતી ટેક્નોલૉજીનાં સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકવાની સાથે ચાર્જિંગ સ્ટેશનોનો વ્યાપ પણ વધારી રહ્યું હોવાનું ઈન્ડિયા રેટિંગ્સના કોર્પોરેટ ડિરેક્ટર શ્રુતિ સાબુએ જણાવ્યું હતું.