Sun Jul 26 2026

Logo

આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું! કપરાડામાં સૌથી વધુ 3.43 ઇંચ વરસાદ; નવા નીરથી ૧૪ ડેમ છલોછલ

2026-07-25 19:43:54
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાતમાં મેઘરાજાએ શનિવારે થોડો પોરો લેતા ભારે વરસાદથી ત્રસ્ત બનેલા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. શનિવારે સાંજ 6 વાગ્યા સુધીમાં રાજ્યના 202 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વરસાદનું જોર માત્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં જ જોવા મળ્યું હતું. વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.43 ઇંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે નવસારીના ખેરગામમાં 2.68 ઇંચ, વલસાડના નાનાપોંઢા અને વાવ-થરાદના દિયોદરમાં 2.36 ઇંચ, લાખણીમાં   2.01 ઇંચ, બનાસકાંઠાના ધાનેરા અને વાવ-થરાદના રાહમાં 1.81 ઇંચ, પાટણના રાધનપુરમાં 1.65 ઇંચ, અમદાવાદના દેત્રોજ-રામપુરામાં 1.57 ઇંચ અને બનાસકાંઠાના ઓગડમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદની સ્થિતિની વાત કરીએ તો પાટણ જિલ્લામાં સૌથી વધુ જળવર્ષા નોંધાઈ હતી. પ્રાપ્ત આંકડાઓ મુજબ, પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ ૧૫ ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે તે જ જિલ્લાના રાધનપુરમાં પણ ૧૩.૪૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વાવ-થરાદના ભાભર તાલુકામાં ૧૧.૩૦ ઈંચ અને દિયોદરમાં ૧૦.૮૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦.૩૧ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં અવિરત વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૧૭,૧૩૧.૩૮ ક્યુસેક પાણીની આવક સાથે હાલનો જળસંગ્રહ ૨,૩૦,૭૭૫ એક હજાર મિલિયન ઘન ફૂટ પર પહોંચ્યો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૯.૦૮ ટકા છે અને તેની સપાટી ૪૨૦.૯૬ ફૂટે પહોંચી છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪૫.૦૮ ટકા એટલે કે ૨,૫૧,૪૮૩ એક હજાર મિલિયન ઘન ફૂટ જળસંગ્રહ નોંધાયો છે. આ ૨૦૬ ડેમો પૈકી ૧૪ ડેમ ૧૦૦ ટકા છલોછલ ભરાઈ ગયા છે, ૨૫ ડેમ ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૭ ડેમ ૫૦ થી ૭૦ ટકાની વચ્ચે અને ૫૫ ડેમ ૨૫ થી ૫૦ ટકાની વચ્ચે ભરાયેલા છે, જ્યારે ૮૫ ડેમમાં હજુ ૨૫ ટકાથી ઓછું પાણી છે. ડેમોમાં પાણીની સ્થિતિ અને જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ૨૧ ડેમોને 'હાઈ એલર્ટ', ૪ ડેમોને 'એલર્ટ' અને ૧૪ ડેમોને 'વોર્નિંગ' પર મૂકવામાં આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું હતું. 

રાજ્યના મુખ્ય જળાશયોમાં રહેલા જળ સંગ્રહની વાત કરીએ તો શેત્રુંજી અને મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. જ્યારે બ્રાહ્મણીમાં 61.27 ટકા, કરજણ ડેમમાં 58.35 ટકા, દમણગંગામાં 52.04 ટકા, પાનમ ડેમમાં 54.02 ટકા, ધરોઇ ડેમમાં 46.15 ટકા, વાત્રકના 47.71 ટકા, હાથમતી ડેમમાં 48.08 ટકા અને કડાણા બંધમાં 43.24 ટકાનો જળસંગ્રહ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 42302 લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે અને 6781 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.