Mon Sep 07 2026

Logo

કચ્છ સીમા સામે પાકિસ્તાનનો નાપાક પેંતરો: ચીનની મદદથી કેટી બંદર પર 'ડિપ વોટર પોર્ટ' વિકસાવવાની તૈયારી

2026-08-26 12:19:00
Author: Mumbai Samachar Team
કચ્છ સીમા સામે પાકિસ્તાનનો નાપાક પેંતરો: ચીનની મદદથી કેટી બંદર પર 'ડિપ વોટર પોર્ટ' વિકસાવવાની તૈયારી

ભુજઃ કચ્છ સરહદની સામે પાર પાકિસ્તાન દ્વારા ચીનની મદદથી દરિયાઈ સુરક્ષા સામે નવો પડકાર ઊભો કરવાની હિલચાલ પ્રકાશમાં આવી છે. સિરક્રીક સીમા નજીક 'પ્રોજેક્ટ અવાબીલ' બાદ હવે પાકિસ્તાન કચ્છ સરહદથી માત્ર ૮૦ કિલોમીટર દૂર આવેલા કેટી બંદર ખાતે ૫૨૨ મિલિયન ડોલરના ખર્ચે 'ડિપ વોટર પોર્ટ' અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિકસાવી રહ્યું છે.

આ યોજના માટે 'ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપની' દ્વારા વિદેશી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ચીની નિષ્ણાતો અને પાક અધિકારીઓ સાથેની બેઠકમાં કેટી બંદરના વિકાસ માટે એક સંકલિત માસ્ટર પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યા છે. તેમણે આ બંદરને પાકિસ્તાનના બીજા ક્રમના મહત્વના દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે ગણાવી માળખાકીય સુવિધાઓ અને રોડ કનેક્ટિવિટી ઝડપી બનાવવા ભાર મૂક્યો છે.

સિરક્રીક સીમા નજીક ચીન અને તુર્કીની મદદથી પાકિસ્તાન દ્વારા થઈ રહેલા આ આર્થિક અને લશ્કરી ગતિવિધિના વિકાસથી ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

ઉત્સવ વૈદ્ય