Thu Sep 03 2026

Logo

સુરલભીટ્ટ પર આવેલું ભુજનું જડેશ્વર મહાદેવ મંદિર:  શ્રાવણે શિવ દર્શન સાથે પારિવારિક પર્યટનનું રમણીય સ્થળ

2026-08-26 12:18:00
Author: Mumbai Samachar Team
સુરલભીટ્ટ પર આવેલું ભુજનું જડેશ્વર મહાદેવ મંદિર:  શ્રાવણે શિવ દર્શન સાથે પારિવારિક પર્યટનનું રમણીય સ્થળ

ભુજઃ ભુજવાસીઓના અતિ પ્રિય અને આસ્થાના પ્રતીક સમાન શહેરથી થોડે દૂર આવેલી સુરલભીટ્ટની ટેકરી પર બિરાજમાન જડેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન  શિવભક્તો ઉમટી રહ્યા છે, ખાસ કરીને શ્રાવણ માસના તમામ સોમવાર, અગિયારસ, પૂનમ અને અમાસના પવિત્ર દિવસોમાં અહીં મેળા યોજાય છે, જેમાં ભુજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. ૨૦૦ જેટલાં પગથિયાં ચડીને ટેકરી પર પહોંચ્યા બાદ શિખર પરથી સમગ્ર ભુજ શહેરના ડ્રોન કેમેરા જેવા મનોહર દ્રશ્યો અને સામે સ્થિત ભુજિયા ડુંગર પરના ભુજંગ નાગની દેરીના પવિત્ર દર્શન થાય છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં રામદેવપીર અને ગાયત્રી માતાજીના નાનકડાં મંદિરો પણ આવેલા છે.

મુખ્ય માર્ગ ભારે બિસમાર હાલતમાં

જોકે, ચાલુ વર્ષે શહેરના ભીડનાકાથી સુરલભીટ્ટને જોડતો મુખ્ય માર્ગ ભારે બિસમાર હાલતમાં હોવાથી શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પૂજારી પરિવારના ભાર્ગવ પી. ગુંસાઈના જણાવ્યા અનુસાર, મંદિરમાં હાલ સતત જીર્ણોદ્ધારના કાર્યો ચાલી રહ્યા છે. ખાસ કરીને તળેટીમાં મંદિરની જમીન  પર દબાણો અટકાવવા માટે મંદિર ફરતે  કમ્પાઉન્ડ વોલ બનાવવી અનિવાર્ય બની છે, જેના માટે તેમણે તમામ ભક્તજનોને ઉદાર હાથે આર્થિક સહકાર આપવા અપીલ કરી છે. હાલ તળેટીમાં ભાવિકોની સગવડ માટે સંખ્યાબંધ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

 મંદિર સાથે જોડાયેલા છે અનેક ચમત્કારિક અને શ્રદ્ધાસ્પદ કિસ્સાઓ 

આ મંદિર સાથે અનેક ચમત્કારિક અને શ્રદ્ધાસ્પદ કિસ્સાઓ જોડાયેલા છે. છેલ્લા ચાર દાયકાથી જડેશ્વર મહાદેવની નિષ્ઠાપૂર્વક સેવા કરતા પૂજારી પ્રફુલભાઇ મંગલગીરી ગુંસાઈ ત્રીજા સ્ટેજના કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી મહાદેવની કૃપાથી સંપૂર્ણ સાજા થયા છે. કચ્છના સોની અને લોહાણા સમાજ સહિત અનેક શ્રદ્ધાળુ પરિવારો આ સ્થાનક પર શ્રદ્ધા ધરાવે છે. ભુજના લોકો એવું માને છે કે, શ્રાવણ માસ દરમ્યાન એકવાર તો સુરલભીટ્ટની ટોચ પર આવેલા જડેશ્વર મહાદેવના દર્શન કરવા જ જોઈએ.  આ ઉપરાંત સુરલભીટ્ટના રસ્તે જ ઐતિહાસિક દાંડીવાળા હનુમાનજીનું મંદિર આવે છે જેના દર્શનનો લ્હાવો પણ સુરલભીટ્ટ જતાં મળી રહે છે.  

ભુજના લોકો માટે આ સ્થળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સ્મૃતિઓનું કેન્દ્ર રહ્યું છે. જૂની યાદો વાગોળતાં શિવભક્ત દર્શકભાઇ અંજારિયા જણાવે છે કે, " પગપાળા સુરલભીટ્ટ જવાનો પણ એક આનંદ છે. આજથી ૫૫ વર્ષ પહેલાં મારા માતુશ્રી સ્વ. કંચનબેન બિહારીલાલ અંજારિયા અને તેમના બહેન સ્વ. ઉર્વશીબેન કુસુમરાય અંજારિયા વચ્ચે સુરલભીટ્ટના રસ્તે દોડવાની ખાસ 'હોડ' થતી ." એક સમયે પરિવારો પગપાળા સુરલભીટ્ટ પર ઉજાણી કરવા જતા અને રસ્તામાં વડીલો પણ રમૂજમાં દોડની સ્પર્ધાઓ યોજી પારિવારિક આનંદ માણતા. એ જમાનામાં સવારે ૫:૩૦ કલાકે થતી મંગળા આરતીમાં ભક્તો સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા ખાસ બસો પણ દોડાવવામાં આવતી હતી જયારે આજે તો લગભગ સૌ પાસે પોતપોતાના વાહનો હોવા છતાં માત્ર બિસમાર રસ્તાને કારણે શ્રાવણ માસ દરમ્યાન આ મંદિરે પહોંચવું અઘરું થઇ ગયું છે.

(ઉત્સવ વૈદ્ય)