અમરેલીઃ અમરેલીના બહુચર્ચિત પાયલ ગોટી લેટરકાંડ પ્રકરણમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને આકરો આદેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી વિશેષ સુનાવણી દરમિયાન પંચે પોલીસની મનસ્વી કામગીરી અને માનવાધિકારોના હનન બદલ રાજ્ય સરકારને પીડિત યુવતી પાયલ ગોટીને રૂપિયા 7.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
નકલી લેટરપેડ વિવાદમાં કરી હતી ધરપકડ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક નકલી લેટરપેડ વિવાદ બાદ સ્થાનિક પોલીસે પાયલ ગોટીની ધરપકડ કરી હતી. જાન્યુઆરી 2025માં જામીન પર મુક્ત થયા બાદ પાયલે પોલીસ કસ્ટડી દરમિયાન પોતાની સાથે થયેલા અમાનવીય વર્તનનો ખુલાસો કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી, બંધ રૂમમાં માર માર્યો હતો અને જાહેરમાં પરેડ કરાવીને સામાજિક રીતે અપમાનિત કરી હતી. આ ગંભીર આક્ષેપો બાદ સમગ્ર રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનું કડક વલણ
પોલીસ દ્વારા કરવામાં આવેલી તે કાર્યવાહી સામે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તમામ પુરાવાઓ અને રજૂઆતો ધ્યાને લીધા બાદ આયોગે સ્પષ્ટ માન્યું કે આ પ્રકરણમાં પોલીસ દ્વારા કાયદાનું ઉલ્લંઘન અને માનવાધિકારોનો ભંગ થયો છે. આ બાબતને ગંભીરતાથી લઈને NHRCએ પીડિતાના પક્ષમાં વળતરનો ચુકાદો આપ્યો છે. આ અંગેનો વિગતવાર લેખિત હુકમ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ નિર્ણયને કારણે લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહેલી પાયલ ગોટીની કાનૂની લડતને મોટી સફળતા મળી છે.