અમદાવાદ/મુંબઈઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો આવતા વર્ષે શરૂ થશે. જોકે આ પહેલા સારા સમાચાર આવ્યા છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે 31 ઓગસ્ટથી ખુલી શકે છે. NE4નું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. આ સેક્શન ખુલવાથી વડોદરાથી મુંબઈનું અંતર ઘણું ઘટી જશે. દિલ્હી-મુંબઈ એકસપ્રેસવેનો મુંબઈ-વડોદરા સેક્શન કાર્યરત થવાથી આ બંને શહેરો વચ્ચેનું અંતર 8 કલાકના બદલે 4 કલાકમાં કાપી શકાશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યનો સમગ્ર હિસ્સો 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખોલવાની યોજના છે.
મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે એ દેશના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો એક ભાગ છે. તાજેતરના અપડેટ અનુસાર, 157 કિલોમીટરનો મુંબઈ-વડોદરા સેક્શન આશરે રૂ. 24,000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ફડણવીસે જણાવ્યું કે આ ભાગ પર સાતમાંથી પાંચ કન્સ્ટ્રક્શન પેકેજ પૂર્ણ થઈ ગયા છે અને ટ્રાફિક માટે તૈયાર છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે એ 8-લેન ધરાવતો 1400 કિલોમીટર લાંબો એક્સેસ-કંટ્રોલ હાઇવે છે, જે પાંચ રાજ્યોને કનેક્ટિવિટી આપે છે. જેમાં હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ એક્સપ્રેસવે દિલ્હી-NCR, ગુજરાત અને મહારાષ્ટ્રના ઔદ્યોગિક હબને જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી સાથે સીધી કનેક્ટિવિટી આપે છે. આ એક્સપ્રેસવે સંપૂર્ણપણે શરૂ થઈ જતાં મુંબઈથી દિલ્હીની મુસાફરી સડક માર્ગે માત્ર 12 કલાકમાં પૂરી થશે. આ પીએમ નરેન્દ્ર મોદીના મોટા ડ્રીમ અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં સામેલ છે. જોકે, તેના કામમાં થોડો વિલંબ થયો છે.
માત્ર ચાર કલાકમાં અંતર કાપી શકાશે
સૂત્રોના જણાવ્યા મુજબ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો સંપૂર્ણ મહારાષ્ટ્ર હિસ્સો 31 ઓગસ્ટ, 2026 સુધીમાં શરૂ કરવાની યોજના છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક ભાગો ખુલ્લા મૂકાયા છે. ગુજરાતમાં કેટલાક સેક્શન અને ભાગો (જેમ કે વડોદરાથી ભરૂચ) પહેલેથી જ શરૂ થઈ ચૂક્યા છે અને કાર્યરત છે. મહારાષ્ટ્રમાં સાતમાંથી પાંચ કન્સ્ટ્રક્શન પેકેજ પૂર્ણ થઈ ગયા છે અને બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂરું થશે. આ ભાગ શરૂ થવાથી વડોદરા અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય આશરે 4 કલાક જેટલો ઘટી જશે. જોકે હજુ કેન્દ્ર સરકાર હેઠળ આવતી NHAI દ્વારા અંતિમ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો લીમખેડાથી ગોધરાને જોડતો લગભગ 55 કિલોમીટર લાંબો પટ્ટો વાહનોની અવરજવર માટે ટ્રાયલ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાતમાં અવરજવર કરતા વાહનચાલકો માટે આ પટ્ટો એન્ટ્રીપોઈન્ટ છે. ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે કોરિડોરના ભાગમાં હાલમાં ટ્રાફિક સક્રિય છે. જોકે નાનાં-મોટાં બાંધકામો અને સુરક્ષાની તકેદારીઓના કામ ચાલી રહ્યા છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. લીમખેડાના હાથીદરા ગામ ઇન્ટરચેન્જથી ગોધરા ઇન્ટરચેન્જ સુધીનો નવો ખુલેલો વિભાગ, એક્સપ્રેસવે પ્રોજેક્ટના પેકેજ 27 અને 28 ને આવરી લે છે. પેકેજ 27.29 કિમીના પટ્ટાને આવરી લે છે, જ્યારે પેકેજ 28, 26 કિમીનો ભાગ ધરાવે છે.