સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. શહેરના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર ગયેલા ધોરણ-9ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.
માનદરવાજા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં પીટીના પિરિયડનો સમય પૂરો થયા પછી ટેરેસ પરથી નીચે ઊતરતી વખતે ધોરણ-6ના વિદ્યાર્થીને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું. સાક્ષી વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, બીજા માળે પીટીના વર્ગ દરમિયાન સાથી વિદ્યાર્થી દીવાલ તરફ દોડ્યો હતો, જ્યાં ખુલ્લા વાયરના સંપર્કમાં આવતા તેને વીજ કરંટ લાગ્યો હતો.
આ ઘટના બાદ શાળાની ગંભીર ભૂલો સામે આવી હતી. રમતનું મેદાન હોવા છતાં ચોમાસામાં બાળકોને ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. ચોમાસામાં શોર્ટ સર્કિટ કે લીકેજ અંગે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવી નહોતી. ઉપરાંત ખુલ્લા વાયર ધરાવતો થાંભલો બાળકોની પહોંચમાં હતો અને શિક્ષકો પાછળ ચાલી રહ્યા હતા.
વિદ્યાર્થીના મોત બાદ તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ઘટના બન્યા પછી શાળા પ્રશાસને પરિવારને તરત જાણ કરવાને બદલે બાબત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. હૉસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ શાળાના આચાર્ય અને તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.