મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે છત્રપતિ સંભાજીનગરમાં કેટલાક દૂધના સપ્લાયરો અને વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કરવાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના નિર્ણય પર વચગાળાનો સ્ટે (સ્થગિતતા આદેશ) આપ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે આ કાર્યવાહીમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી.
ઔરંગાબાદ બેન્ચે જણાવ્યું હતું કે, આવી કઠોર કાર્યવાહી કરતા પહેલાં નિયત પ્રક્રિયા મુજબ સુધારણા માટેની નોટિસ આપવી અને સુનાવણીની તક પૂરી પાડવી જરૂરી છે. ન્યાયમૂર્તિ એસ. જી. ચાપલગાંવકરની સિંગલ બેન્ચે અસરગ્રસ્ત દૂધ વિક્રેતાઓ અને સપ્લાયરો દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓ પર ગયા અઠવાડિયે આ આદેશો આપ્યા હતા.
ખાદ્ય સુરક્ષા માર્ગદર્શિકાઓના કથિત ઉલ્લંઘન બદલ એફડીએ એ આ મહિનાની શરૂઆતમાં અરજદારોના લાયસન્સ રદ્દ કર્યા હતા. અરજદારોના વકીલ રાહુલ કાર્પેએ દલીલ કરી હતી કે સૌપ્રથમ કારણદર્શક નોટિસ અથવા સુનાવણીની તક આપવી જોઈતી હતી. જો કે,સરકારે દલીલ કરી હતી કે એફડીએ અધિકારી પાસે કોઈપણ નોટિસ વિના લાયસન્સ સ્થગિત કરવાની સત્તા છે.
કોર્ટે જણાવ્યું હતું કે મોટા ભાગના કિસ્સાઓમાં એફડીએ દ્વારા નિરીક્ષણ દરમિયાન નોંધાયેલી ખામીઓ ગંભીર પ્રકારની નહોતી કે જેના કારણે તેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જરૂર પડે. હાઈ કોર્ટે એફડીએને નોટિસ જારી કરીને અરજદારોના લાઇસન્સ સસ્પેન્ડ કરવાના તેના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.