(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ કોર્પોરેટ કંપનીઓના વધતા જતા ઈ-કોમર્સ વેપારને કારણે પરંપરાગત અને સ્થાનિક વેપાર મોટા પ્રમાણમાં ઘટી ગયા છે. આ વેપારીઓને ડિજિટલ વેપાર સાથે આધુનિક ટેક્નોલૉજીની સુુવિધા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આ ઓએનડીસીની ઈ-કોમર્સ માટેની કેન્દ્ર સરકારની પહેલ ડીજી દુકાનને રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી સુનિલજી સિંઘી એ ભરોસા પાત્ર હોવાનો દાવો કરેલ છે.
પરંપરાગત વેપારને આધુનિક રૂપ આપવાના આશય સાથે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ડીજી દુકાનના અભિયાનમાં નવી મુંબઈની એ.પી.એમ.સી. માર્કેટ સ્થિત ગ્રોમા સંસ્થા બાદ મુંબઈનો આ બીજો કાર્યક્રમ ગઈકાલે તા. 26/07/2026ના બોમ્બે સબર્બન ગે્રન ડીલર્સ એસોસિએશન દ્વારા મલાડમાં યોજાયો હોવાનું નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના સદસ્ય અને ગે્રન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ એસોસિએશનના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.
ટૂંક સમયમાં વિશાળ વેપારી સમુદાયની હાજરીમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગૅરેન્ટી સાથે ડીજી દુકાનનો ઉદય થયો હોવાથી વેપારીઓના લાભને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માટે વેપારીઓને નિઃશુલ્ક ધોરણે ડીજી દુકાનની સુવિધા આપવામાં આવશે.
અગાઉ હૈદરાબાદ, જયપુર જેવા શહેરોમાં 13000 જેટલા વેપારીઓ આ સેવા સાથે જોડાયા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અગાઉ વેપારીઓ ઈ-કોમર્સની સુવિધાઓ બંધ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરતા હતા, પરંતુ હકીકતમાં ભારત દેશ ઓનલાઇન વેપારમાં પ્રથમ નંબર પર છે. જેથી સરકાર દ્વારા જ આ પહેલ કરવામાં આવી છે.