Mon Jul 27 2026

Logo

'TET' પેપર લીક વિવાદ: મહારાષ્ટ્ર કોંગ્રેસે શિક્ષણ પ્રધાનના રાજીનામાની માગ કરી

2026-07-27 20:09:41
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસે આજે શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ - ટેટ)ના પેપર લીક મામલે રાજ્યના શિક્ષણ પ્રધાન દાદા ભૂસેના રાજીનામાની માગણી કરી હતી. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ, મહારાષ્ટ્ર પ્રદેશ રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘે પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કથિત અનિયમિતતાઓ માટે સરકારની ટીકા કરી હતી.

મહારાષ્ટ્ર પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ સાગર સાળુંખેએ જણાવ્યું હતું કે 'ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની અસમર્થતાને કારણે, લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે, અને તેમના સપના ચકનાચૂર થઈ ગયા છે. જોકે, શિક્ષણ પ્રધાન દાદા ભૂસેએ આ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી નથી.'

'નીટ' પેપર લીક મામલે શનિવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ ભૂસેના રાજીનામાની માંગણી કરવામાં આવી છે.

મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ઝીનત શબરીને ચેતવણી આપી હતી કે જો ભૂસે આગામી સાત દિવસમાં જવાબદારી સ્વીકારી રાજીનામું નહીં આપે તો કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનો, સમાન વિચારધારા ધરાવતા પક્ષો અને જૂથો સાથે મળીને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.

સાળુંખેએ કહ્યું હતું કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે, તેમણે આરોપ કર્યો હતો કે ભાજપ-મહાયુતિ સરકારે તેને જાહેર સેવામાંથી પૈસા કમાવવાના સાધનમાં ફેરવી દીધી છે.