ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની પર્સનલ લાઈફ અને ડેટિંગ અંગે ચાલી રહેલી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અર્શદીપ સિંહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મનોરંજન જગતની જાણીતી મોડેલ અને એક્ટ્રેસ સમરીન કૌર સાથે અત્યંત ક્યૂટ તસવીરો શેર કરીને પોતાના રિલેશનશિપની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચાલો જોઈએ શું કહ્યું છે અર્શદીપે પોતાની પોસ્ટમાં...
શેર કરાયેલી ફોટોમાં બંને એકબીજાની ખૂબ જ નજીક અને ખુશ નજરે પડી રહ્યા છે. અર્શદીપે તસવીર સાથે માય પર્સન લખીને પોતાના પ્રેમને જગજાહેર કર્યો હતો. આ પોસ્ટ સામે આવતાં જ ક્રિકેટ જગતના દિગ્ગજો, બોલીવૂડ સેલેબ્સ અને ચાહકો તરફથી નવયુગલ પર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ જાહેરાત સાથે જ સામરીન કૌર કોણ છે તે જાણવા માટે ગૂગલ પર સર્ચ વધી ગયું છે.
સાતમી સપ્ટેમ્બર, 1999ના રોજ જમ્મુ-કાશ્મીરમાં જન્મેલી સમરીન કૌર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તેણે પુણેની પ્રતિષ્ઠિત 'સિમ્બાયોસિસ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ'માંથી બી.કોમની ડિગ્રી મેળવી છે. વર્ષ 2018માં સમરીને 'ફેમિના મિસ ઈન્ડિયા' સ્પર્ધામાં પોતાના ગૃહરાજ્ય જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે ફાઈનાલિસ્ટ બની હતી. આ સ્પર્ધા પછી તેને મોટા બ્રાન્ડ્સ અને મોડેલિંગના અસંખ્ય પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા હતા.
સમરીન કૌરે માત્ર મોડેલિંગ પૂરતું જ પોતાને સીમિત ન રાખતાં એક્ટિંગ ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી થ્રિલર વેબ સિરીઝ 'નેઇલ પોલિશ'માં અર્જુન રામપાલ સાથે કામ કર્યું છે. આ સિવાય સમરીન કૌરે રણવીર સિંહની ફિલ્મ '83'માં ક્રિકેટર બલવિંદર સિંહ સંધૂ (એમી વિર્ક)ની મંગેતર 'સિમરન'ના રોલમાં જોવા મળી હતી.
સમરીન કૌરે ફિલ્મો અને સીરિઝ સિવાય હિટ પંજાબી ફિલ્મ 'સરદારજી ટુ'નો પણ હિસ્સો રહી ચૂકી છે. સમરીને જુબિન નૌટિયાલ, બાદશાહ અને ગુરુ રંધાવા જેવા દિગ્ગજ સિંગર્સ સાથે કામ કર્યું છે. તેના 'બાવલા' અને 'તુઝે ભૂલના તો ચાહા' જેવા ગીતોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.
સમરીન અને અર્શદીપ વચ્ચેના અફેરની ચર્ચાઓ આઈપીએલ 2026 દરમિયાન તેજ બની હતી. અર્શદીપે સ્નેપચેટ પર એક મિસ્ટ્રી ગર્લનો હાથ પકડેલો ફોટો મૂક્યો હતો. ચાહકોએ સમરીનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના હાથના ટેટૂ, ઘડિયાળ અને કપડાંનું મેચિંગ કરીને દાવો કર્યો હતો કે તે છોકરી સામરીન જ છે. સમરીન પંજાબ કિંગ્સના મેચો દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ચંડીગઢના સ્ટેન્ડ્સમાં અર્શદીપને સપોર્ટ કરતી પણ કેમેરામાં કેપ્ચર થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અર્શદીપ સિંહ પહેલાં સમરીન કૌરનું નામ દેશના જાણીતા યૂટ્યુબર આશિષ ચંચલાની સાથે પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. બંનેને કેટલીક મુવી સ્ક્રીનિંગ અને પ્રોજેક્ટ્સમાં સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. જોકે, પાછળથી સમરીને સ્પષ્ટતા કરી હતી કે અંગત કારણોસર તેમના સંબંધોમાં ફેરફાર થયો છે અને તેઓ હવે માત્ર પરસ્પર સન્માન રાખે છે.