Sun Sep 06 2026

Logo

ભારતની આ વેઇટલિફ્ટરે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

Glasgow   2026-07-27 20:52:00
Author: Ajay Motiwala
ભારતની આ વેઇટલિફ્ટરે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

ગ્લાસગોઃ કૉમનવેલ્થ ગેમ્સમાં સોમવારના પાંચમા દિવસે ભારતીય ઍથ્લીટોએ વેઇટલિફ્ટિંગ, મુક્કાબાજી, ઊંચો કૂદકો, સ્વિમિંગ અને જિમ્નૅસ્ટિક્સ જેવી રમતોમાં મેડલ માટેના દાવા વધુ મજબૂત કર્યા એવામાં સાંજે સમાચાર મળ્યા હતા કે ભારતની જ્ઞાનેશ્વરી યાદવે ગોલ્ડ માટે ખૂબ કોશિશ કર્યા પછી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. એ સાથે ત્યારે ભારતના મેડલની કુલ સંખ્યા ચાર (એક ગોલ્ડ, બે સિલ્વર, એક બ્રૉન્ઝ) ઉપર પહોંચી હતી.

છત્તીસગઢ રાજ્યની 23 વર્ષીય જ્ઞાનેશ્વરી (Gyaneshwari)એ મહિલાઓ માટેની 53 કિલો વજનની કૅટેગરીમાં કુલ 199 કિલો વજન ઊંચક્યું હતું. એમાંથી તેણે 88 કિલો વજન સ્નૅચમાં અને 111 કિલો વજન ક્લીન ઍન્ડ જર્કમાં ઊંચક્યું હતું.

નાઇજિરિયાની ઑનોમ ઑમોલોલા ડિડી (Didih)એ તેનાથી સાત કિલો વધુ એટલે કે 206 કિલો (અનુક્રમે 93 કિલો તથા 113 કિલો) વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

ખાસ કરીને ક્લીન ઍન્ડ જર્કમાં તીવ્ર હરીફાઈ થઈ હતી. જ્ઞાનેશ્વરીએ 107 કિલો વજન ઊંચકીને કૉમનવેલ્થ ગેમ્સનો નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. જોકે નાઇજિરિયાની ડિડીએ 110 કિલો વજન ઊંચકીને એ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. જ્ઞાનેશ્વરીએ 111 વજન સાથે તેનો રેકૉર્ડ તોડ્યો ત્યાર બાદ ડિડીએ 113 કિલો વજનના નવા વિક્રમ સાથે ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો હતો.