મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં વધતી ભીડ અને મુસાફરોની હાલાકીનો મુદ્દો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની ટીકા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં વીડિયો બનાવનાર પ્રવાસીએ મુંબઈ લોકલમાં પ્રવાસીઓની સ્થિતિ દર્શાવીને રેલવે મંત્રીના રાજીનામાની માગણી કરી હતી. વાયરલ પોસ્ટ અંગે રેલવે મંત્રાલય અથવા અશ્વિની વૈષ્ણવ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શિવાન સનાતન નામના યુઝરે શેર કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોસ્ટના કેપ્શનમાં ‘રીલ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે રાજીનામું આપવું જોઈએ’ એવી ટિપ્પણી કરવામાં આવી છે. વીડિયોમાં મુંબઈની ભીડભાડવાળી લોકલ ટ્રેનનો એક કોચ જોવા મળે છે, જ્યાં બેસવાની જગ્યા નહીં હોવાથી મોટી સંખ્યામાં મુસાફરો ઊભા રહીને મુસાફરી કરી રહ્યા છે.
વીડિયોમાં વ્યક્તિ રેલવે પ્રધાનને સંબોધીને લખ્યું હતું કે પ્રવાસીઓને ટ્રેનમાં લટકીને પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. તેણે કોચમાં ઊભેલી એક વૃદ્ધ મહિલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે તેની માતાની ઉંમરની છે અને જીવનભર ટેક્સ ચૂકવ્યા બાદ પણ તેને લાંબા સમય સુધી ઊભા રહીને મુસાફરી કરવી પડી રહી છે. તેણે સવાલ પણ ઉઠાવ્યો કે ભારતીય રેલવે મુસાફરોને સુરક્ષિત અને સન્માનજનક મુસાફરી ક્યારે પૂરી પાડશે.
વાયરલ વીડિયોમાં રેલવેમાં વ્યવસ્થા અને રાજકીય જવાબદારી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ દાવો કર્યો કે નાગરિકોને નેતાઓને ચૂંટવાનો અધિકાર છે, પરંતુ જાહેર સેવાઓ નિષ્ફળ જાય ત્યારે તેમને પદ પરથી હટાવવાની સીધી સત્તા નથી.
તેણે એવો પણ સવાલ કર્યો કે જો ભીડને કારણે કોઈ મુસાફરનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.