નવી દિલ્હીઃ વિદેશી ચલણના પ્રવાહને આકર્ષવા માટેની રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની કન્સેશનલ સ્વેપ ફેસિલિટી સ્કીમ હેઠળ ભારત અંદાજે 80થી 85 અબજ ડૉલરનો આંતરપ્રવાહ આકર્ષે તેવી શક્યતા એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ સ્કીમ હેઠળ ગત 17મી જુલાઈ સુધીમાં નોન રેસિડૅન્ટ (બૅન્ક) અથવા તો એફસીએનઆર (બી) હેઠળ 17.406 અબજ ડૉલરની ડિપોઝિટ, ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગ (ઓફસીબી) હેઠળ 1.97 અબજ ડૉલર અને એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ (ઈસીબી) હેઠળ 1.342 અબજ ડૉલર આકર્ષાયા હતા.
સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટ ઈકોરેપમાં જણાવ્યાનુસાર રિઝર્વ બૅન્કે ગત 17મી જુલાઈ સુધીમાં અંદાજે 20 અબજ ડૉલરનો આંતરપ્રવાહ એકત્રિત કર્યો છે જે સકારાત્મક રાહતની રકમ ગણી શકાય. જેમાં મુખ્યત્વે 17.4 અબજ ડૉલરના સ્માર્ટ એફસીએનઆર (બી)ના ભંડોળનો સમાવેશ થાય છે.
આ આંતર પ્રવાહને ધ્યાનમાં લેતાં એકંદરે સ્કીમમાં એફસીએનઆર (બી)માં 65થી 70ના આંતરપ્રવાહ ઉપરાંત ઓફસીબી અને ઈસીબી મળીને કુલ 85 અબજ ડૉલરનો આંતરપ્રવાહ આકર્ષાય તેવી શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં અહેવાલમાં જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કની આંકડાકીય માહિતી અનુસાર ગત 17 જુલાઈ સુધીમાં એફસીએનઆર (બી) હેઠળ એકત્રિત કરવામાં આવેલા 17.4 અબજ ડૉલરના પ્રવાહને ધ્યાનમાં લેતા એકંદરે સ્કીમમાં એકત્રિત થનારા ભંડોળમાં મુખ્ય હિસ્સો જાહેર ક્ષેત્રની બૅન્કોનો હિસ્સો મુખ્ય ચાલકબળ રહેશે.
નોંધનીય બાબત એ છે કે ગત પાંચમી જૂનના રોજ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ મૂડીગત આંતરપ્રવાહને પ્રોત્સાહિત કરવા અને દેશની વેપાર તુલાને મજબૂત બનાવવાના પગલાં તરીકે આ સ્કીમની રજૂઆત કરી હતી તેમ જ આ સ્કીમ આઠમી જૂન, 2026ના રોજ કાર્યાન્વિત કરવામાં આવી હતી અને એફસીએનઆર (બી) માટે 30મી સપ્ટેમ્બર સુધી તથા ઓફસીબી અને ઈસીબી માટે 31મી ડિસેમ્બર,2026 સુધી સ્કીમ અમલી રહેશે.
એકંદરે રિઝર્વ બૅન્કનો આ પગલાં જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ ભારતની બાહ્ય ક્ષેત્રની સ્થિતિ મજબૂત કરવાનો અને વૈશ્વિક અનિશ્ચિતતાનાને પગલે વિદેશી હૂંડિયામણની પ્રવાહિતાને ટેકો આપવાનો છે.
સ્ટેટ બૅન્કે તેના રિસર્ચ રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે આ પગલાંની જાહેરાત સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું, પરંતુ ત્યાર બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા ઓછી થતાં ક્રૂડતેલના ભાવ વધારા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ સાવચેતીનું વલણ અખત્યાર કર્યું હતું.
અહેવાલમાં જણાવ્યાનુસાર રિઝર્વ બૅન્કના આ પગલાંને ટેકે વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં મૂડીગત્ ખાતામાં અતિરિક્ત 75થી 85 અબજ ડૉલરનો ટેકો મળશે અને રેમિટન્સનો આંતરપ્રવાહ 150 અબજ ડૉલર કરતાં વધુ રહેશે. વધુમાં વર્તમાન નાણાકીય વર્ષમાં સીધા વિદેશી રોકાણનો આંતરપ્રવાહ 15થી 18 અબજ ડૉલર આસપાસ રહેશે અને બીજા છમાસિકગાળામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો આંતરપ્રવાહ પહેલાં છમાસિકગાળાની તુલનામાં સારો રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આમ એકંદર નાણાકીય વર્ષ 2027ની વેપાર તુલા અંદાજે 50 અબજ ડૉલર પુરાંતમાં રહેશે. જોકે, અગાઉ વેપાર તુલા 65થી 70 અબજ ડૉલર ખાધમાં રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.