Mon Jul 27 2026

Logo

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 685નું અને ચાંદીમાં રૂ. 1726નું બાઉન્સબૅક

2026-07-27 19:32:03
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાને એકબીજા પર હુમલાઓ બંધ કર્યાના નિર્દેશો સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી ખાસ કરીને ફુગાવાની ચિંતા હળવી થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં 1.7 ટકા જેટલો ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું.

જેમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1726નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 683થી 685નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 57 પૈસા મજબૂત થયો હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થતાં સોનામાં વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1726ના સુધારા સાથે રૂ. 2,24,447ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો હોવાથી માત્ર ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 683 વધીને રૂ. 1,43,888 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 685 વધીને રૂ. 1,44,466ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 4093.34 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા વધીને 4095.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.7 ટકા વધીને આૈંસદીઠ 59.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાને એકબીજા પર હુમલાઓ બંધ કર્યાના અહેવાલો સાથે ક્રૂડતેલના ભાવ ઘટી આવતાં મુખ્યત્વે ફુગાવામાં વધારાની ચિંતા હળવી થતાં આજે સોના અને ચાંદીમાં સપ્તાહનો આરંભ સુધારાના અન્ડરટોને થયો હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવ્યું હતું. 

ગઈકાલે ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા હુમલા બંધ રાખશે ત્યાં સુધી અમે પણ અખાતી દેશો પર હુમલાઓ બંધ રાખશું. વધુમાં ડૉનલ્ડ ટ્રમ્પના સલાહકારોએ જણાવ્યું હતું કે લક્ષ્યાંકો પૂરાં થઈ ગયાં છે અને શસ્ત્રો પણ ખૂટી રહ્યાં હોવાથી વૉશિંગ્ટને બોમ્બાર્ડિંગ સ્થગિત કર્યું છે.

આમ હુમલાઓ બંધ થવાથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખૂલવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો આવ્યો હતો અને ફુગાવો ઘટવાની શક્યતા પ્રબળ બનતાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના સુધારાને ટેકો મળ્યો હતો. 

જોકે, આજે રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે અને સીએમઈ ફેડ વૉચ ટૂલ પર વ્યાજદરમાં વધારાની માત્ર 34 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા.