મુંબઈ: મુંબઈના જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા અને મુસાફરોને ઝડપી તથા સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે ઈસ્ટર્ન ફ્રીવે અને અટલ સેતુ પર બેસ્ટ બસ સેવાઓના વિસ્તરણની માંગ કરવામાં આવી છે.
બેસ્ટ સમિતિ અને મુસાફર પ્રતિનિધિ સંગઠન 'આપલી બેસ્ટ આપલ્યાસાઠી' (એએબીએ) વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકમાં બસ કનેક્ટિવિટી વધારવા, મુસાફરોની સંખ્યા વધારવા અને શહેરના જાહેર પરિવહન નેટવર્કને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
બેસ્ટ સમિતિના અધ્યક્ષ તૃષ્ણા વિશ્વાસરાવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રવાસી પ્રતિનિધિઓએ ઈસ્ટર્ન ફ્રીવેનો વધુ ઉપયોગ કરીને પૂર્વ ઉપનગરો, દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે ઝડપી બસ સેવા શરૂ કરવાની માંગ કરી હતી.
એએબીએએ A-502 અને A-504 બસ રૂટને વડાલા ડેપો સુધી લંબાવવા તેમજ ઘાટકોપર સહિત પૂર્વ ઉપનગરોને ફ્રીવે કોરિડોર મારફતે જોડતી વધુ હાઈ-સ્પીડ બસ સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
એએબીએના સભ્ય રૂપેશ શેલટકરે અટલ સેતુ મારફતે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વધુ સીધી અને ઝડપી બેસ્ટ બસ સેવા શરૂ કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે મુસાફરોને ઝડપી કનેક્ટિવિટી મળવાથી ખાનગી વાહનોનો ઉપયોગ કરતા લોકો પણ જાહેર પરિવહન તરફ આકર્ષાઈ શકે છે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
બેઠકમાં રૂટ પ્લાનિંગ, કર્મચારીઓની અછત અને વેટ-લીઝ બસો પર બેસ્ટની વધતી નિર્ભરતા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. દરમિયાન, મુંબઈની ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસોના કાફલાના વિસ્તરણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રકરણે માહિતી આપતા બેસ્ટના જનરલ મેનેજર સોનિયા સેઠીએ જણાવ્યું કે સંસ્થાને અત્યાર સુધીમાં 50 ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ મળી ચૂકી છે અને તમામ બસો હાલ સેવામાં કાર્યરત છે.
જોકે, બાકીની 150 બસોની ડિલિવરીમાં કોન્ટ્રાક્ટની શરતો સાથે જોડાયેલી ટેકનિકલ સમસ્યાને કારણે વિલંબ થયો છે. બેસ્ટ સમિતિની અધ્યક્ષાએ અધિકારીઓને મુસાફર સંગઠનની ભલામણોની તપાસ કરી શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ કરવાની સૂચના આપી હતી.
આ બસોના પ્રસ્તાવિત રુટ શરૂ થશે તો હજારો પ્રવાસીઓને તેનો ફાયદો થશે. જો કે 150 બસોની ડિલિવરી લંબાઈ હોવાથી નજીકના ભવિષ્યમાં આ પ્રસ્તાવનો અમલ થાય તેવા એંધાણ નથી. પરંતુ શક્ય તેટલી ઝડપથી આ પ્રસ્તાવનો અમલ કરાશે તેવું આશ્વાસન બેસ્ટ દ્વારા અપાયું છે.