જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ૨૫૦ કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ભૂસ્ખલન થતાં સેંકડો વાહનો ફસાયા છે તેમ જ ડોડા જિલ્લામાં મુખ્ય પુલ પર તિરાડો જોવા મળતાં સુરક્ષા તપાસ માટે વાહનોની અવરજવર અસ્થાયી રૂપે સ્થિગત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ટ્રાફિક વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર આજે સવારે ઉધમપુર જિલ્લાના દેવલ ખાતે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ભારે ભૂસ્ખલન થયું હતું. પરિણામે અધિકારીઓને બંને તરફથી વાહનોની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી.
તેમણે જણાવ્યું કે હાઇવે બંધ થવાથી ઉધમપુર અને બનિહાલ વચ્ચે લગભગ ૧,૭૦૦ ટ્રકો અને અનેક પેસેન્જર વાહનો ફસાયા હતા, ક્ષતિગ્રસ્ત રસ્તાના સમારકામ દરમિયાન વાહનોને સિંગલ લેન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા હતા.
તેમણે કહ્યું કે પેસેન્જર વાહનોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમ જ જ્યાં સુધી સમારકામનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રીનગર, ડોડા, રામબન અને પટનીટોપ કે તેનાથી વિરુદ્ધ દિશામાં નવા વાહનોને જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એનએચએઆઇ)એ કાટમાળ હટાવવા અને વહેલી તકે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે કર્મચારીઓ અને મશીનરી તહેનાત કરી છે.
પ્રવક્તાએ કહ્યું કે જ્યાં સુધી હાઇવે સુરક્ષિત જાહેર ન થાય અને ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં ન આવે ત્યાં સુધી યાત્રીઓને હાઇવે પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે વધુ ભૂસ્ખલન અને ખડકો પડવાનું જોખમ તોળાઇ રહ્યું છે.
તો વળી રવિવારે મોડી રાત્રે ડોડા પુલ પર તિરોડા જોવા મળ્યાના અહેવાલો બાદ સલામતીના કારણોસર અધિકારીઓએ પુલ બંધ કર્યો હતો. પીડબ્લ્યુડીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અનિલ મેહરાએ જણાવ્યું કે આ નિશાનો માળખાકીય તિરાડો ન હતી, પરંતુ બાંધકામ દરમિયાન શટરિંગ સાંધા પર કોંક્રિટના ઓવરલેપને કારણે બન્યા હોવાનું એન્જિનિયરોની તપાસમાં જાણવા મળ્યું હતું.