બન્ને મહિલા શૂટરને અમિત શાહના હાર્દિક અભિનંદન
હાન્ગઝોઉ (ચીન): એક તરફ સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોએ દેશને દરરોજ એક કે એકથી વધુ મેડલ અપાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે ચીનમાં ચાલી રહેલા શૂટિંગના વર્લ્ડ કપમાં ભારતની બે શૂટરે રાષ્ટ્રને એક જ દિવસે બે ચંદ્રક અપાવ્યા છે.
નિશાનબાજીની રમતમાં ટૂંક સમયમાં સ્ટાર બની ગયેલી અને શાનદાર પર્ફોર્મન્સથી શૂટિંગ જગતમાં ઊભરી રહેલી ઇશા સિંહે આઇએસએસએફ વર્લ્ડ કપ (રાઇફલ/પિસ્તોલ/શૉટગન) સ્પર્ધામાં મહિલાઓની પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે ભારતની જ પૅરિસ ઑલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને પાછળ રાખીને આ સિદ્ધિ મેળવી હતી. મનુ ભાકરે એ જ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પર કબજો કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઇશા (Isha) સિંહ તેમ જ મનુ (Manu) ભાકર, બન્નેને સોશ્યલ મીડિયા પર હાર્દિક અભિનંદન આપ્યા હતા.
21 વર્ષની ઇશા સિંહે ફાઇનલમાં જડબેસલાક પર્ફોર્મ કર્યું હતું. તેણે 40 હિટ્સ સાથે સુવર્ણચંદ્રક પર કબજો કર્યો હતો. ગયા વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરે ખૂબ લડત આપી હતી, પરંતુ 28 હિટ્સને લીધે તેણે કાંસ્યચંદ્રકથી સંતોષ માની લેવો પડ્યો હતો. આ જ સ્પર્ધામાં ચીનની ઝાન્ગ યેઉઇ 37 હિટ્સ સાથે બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ જીતી હતી.
ક્વૉલિફાઇંગમાં મનુ આગળ હતી
ફાઇનલ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડને અંતે મનુ ભાકર 586-20એક્સના સ્કોર સાથે મોખરે હતી. ઇશા સિંહ તેના પછી 585-18એક્સ સાથે તેની નજીકના બીજા સ્થાને હતી. તેઓ ક્વૉલિફાઇંગ રાઉન્ડની અનુક્રમે પાંચમા અને સાતમા નંબર પર રહીને ફાઇનલમાં પ્રવેશી હતી. આ સ્કોર સાથે તેમણે આઠ શૂટરવાળા ફાઇનલ રાઉન્ડમાં આસાનીથી પ્રવેશ કર્યો હતો.
India's Double Strike at the ISSF World Cup 🇮🇳
— Amit Shah (@AmitShah) July 27, 2026
Esha Singh and Manu Bhaker made a marvellous display of their talent by winning the gold and bronze medals, respectively, in the Women's 25 m Pistol event at the ISSF World Cup 2026. Their resolute determination and unmistakable… pic.twitter.com/qtBhVrlUzQ
ઇશાએ આ સીઝનની શરૂઆતમાં મ્યૂનિકમાં પણ વર્લ્ડ કપનો ગોલ્ડ જીતી લીધો હતો એટલે એ સફળતા જાળવી રાખવા તેના પર માનસિક દબાણ હતું. જોકે ઇશાને ચીનના હાન્ગઝોઉ શહેરની શૂટિંગની સ્પર્ધામાં ભાગ લેવો ખૂબ ગમે છે એટલે તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો અને તેણે ગોલ્ડ મેડલ જીતીને બતાવ્યો છે. હવે 2028ની ઑલિમ્પિક્સમાં પણ તે મેડલ જીતી શકે એવી આશા વધી ગઈ છે.

ભારત મેડલ-ટેબલમાં બીજા નંબરે
વર્લ્ડ કપના મેડલ-ટેબલમાં ભારત હવે ત્રીજા નંબરે છે. ચીન છ ગોલ્ડ, ચાર સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ સહિત કુલ 15 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને અમેરિકા (બે ગોલ્ડ, બે સિલ્વર સહિત કુલ ચાર મેડલ) છે અને ત્રીજા નંબરના ભારત પાસે એક ગોલ્ડ, એક સિલ્વર, એક બ્રૉન્ઝ સહિત કુલ ત્રણ મેડલ છે.