નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જંતર-મંતર પ્રદર્શન કેસની સુનાવણી પછી મોટો આદેશ પસાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું છે કે કોઈપણ પ્રદર્શનકારી વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી ન થવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે અગાઉ સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે લોકશાહીમાં પ્રદર્શનો થતા રહે છે. તેમણે કહ્યું કે કેસોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
નીટ પેપર લીક પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે દેશભરમાં કોઈપણ વિદ્યાર્થી વિરુદ્ધ સખત કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. અદાલતે 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને તુરંત મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા પ્રદર્શનકારીઓને કોઈ રાહત મળશે નહીં.
કોર્ટે કહ્યું છે કે પ્રદર્શન સાથે જોડાયેલા તમામ સીસીટીવી ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, વાયરલેસ સંચાર અને અન્ય સંબંધિત રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે. અદાલતે કહ્યું કે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનો ડિજિટલ ડેટા અને વ્યક્તિગત માહિતી સાર્વજનિક કરવામાં આવશે નહીં. કોર્ટે કેન્દ્ર અને સાત રાજ્યોને નોટિસ પણ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારોનું વલણ જાણ્યા પછી હાઈ-લેવલ કમિટીની રચના કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે તે તાજેતરની ઘટનાઓની સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવશે.
જવાબદારી નક્કી થવી જરુરી- ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસે સુનાવણી દરમ્યાન કહ્યું કે જે કોઇએ પણ અત્યાર કર્યો છે તેની વિરુદ્ધ કાયદો પોતાનું કામ કરશે. તેમણે કહ્યું કે આની તપાસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને સ્વતંત્ર થવી જોઇએ. ચીફ જસ્ટિસે કહ્યું કે જો જવાબદારી નક્કી ન કરી હોય તો તેનો કોઇ અર્થ નથી.
પેલેટ ગનનો થયો ઉલ્લેખ
સીજેઆઈ (CJI) સૂર્યકાંતે કહ્યું કે તમામ અરજીઓમાં કેટલાક આરોપ છે. પરંતુ જો તમે મોટા પાયે જુઓ તો એક આરોપ પેલેટ ગન (pellet gun) ના ઉપયોગનો છે, જેના કારણે 19 વર્ષના છોકરાની આંખોની રોશની જતી રહી. ઇલેક્ટ્રિક બેટનના ઉપયોગના મામલે પણ આરોપો છે. એક યુવતીને આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવી હતી. કીલવાળી લાઠીઓના ઉપયોગથી જીવનું જોખમ હોવાનો આરોપ છે. એક મીડિયાકર્મી પર હુમલાનો પણ મામલો છે. તેના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાદા પોશાકમાં રહેલી પોલીસે હિંસા કરી હોવાનો આરોપ છે. એક અન્ય મામલો જેમાં પોલીસે કોઈ પણ ઉશ્કેરાટ વગર એક યુવતીને થપ્પડ મારી હતી.