Tue Jul 28 2026

Logo

હિમાચલના ચંબામાં ભીષણ માર્ગ અકસ્માત, ખીણમાં ખાબકી કાર, એક જ પરિવારના 5 લોકોના મોત

2026-07-28 11:24:00
Author: Mumbai Samachar Team
Article Image

ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સોમવારે મોડી રાત્રે એક ભીષણ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત ભરમાંવ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાહડ વિસ્તાર પાસે થયો, જ્યાં એક ઓલ્ટો કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં પડી. પ્રાપ્ત માહિતી મુજબ પરિવાર પોતાની માસૂમ દીકરીની સારવાર પીજીઆઈ ચંદીગઢમાં કરાવીને ઘર પાછો ફરી રહ્યો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, પ્રશાસન અને રાહત તથા બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ બચાવ દળ દ્વારા ખીણમાંથી તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.

એક જ પરિવારના હતા પાંચેય લોકો

SDM ડેલહાઉસી અનિલ ભારદ્વાજે પુષ્ટિ કરી કે અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ પાંચ લોકો એક જ પરિવારના સભ્યો હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે વિસ્તારમાં ભારે વરસાદ, ખરાબ હવામાન, ગાઢ ધુમ્મસ અને રસ્તા  લપસણા હતા. ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ખરાબ હોવાથી ચાલક વાહન પરથી કાબૂ ગુમાવી બેઠો અને કાર ઊંડી ખીણમાં પડી. જોકે દુર્ઘટનાના વાસ્તવિક કારણોની જાણ પોલીસ તપાસ પૂરી થયા પછી જ થઈ શકશે.

ધારાસભ્યએ ફેસબુક પર માહિતી કરી શેર

ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક ધારાસભ્ય જનક રાજે ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે બનીખેટના લાહડ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ગેહરાના પાંચ લોકોનાં મોતની ખબર અત્યંત હૃદયદ્રાવક છે. તેમણે ભગવાન મહાદેવને દિવંગત આત્માઓની શાંતિ અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરી. બીજી તરફ પોલીસે ગુનો નોંધીને અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. વહીવટીતંત્રએ ચોમાસા દરમિયાન પહાડી માર્ગો પર મુસાફરી કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવા અને ખરાબ હવામાનમાં બિનજરૂરી મુસાફરી ન કરવાની અપીલ કરી છે.