Tue Jul 28 2026

Logo

ગાંધીધામમાં વેપારીને જાહેરમાં કચરો નાંખવો ભારે પડ્યો, જાણો વિગત

2026-07-28 11:52:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરમાં ગાંધી માર્કેટ રોડ પર જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા એક દુકાનદાર સામે પાલિકા તંત્રે કડક કાર્યવાહી કરી દંડ ફટકાર્યો હતો.

શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા વેપારીઓ અને નાગરિકોને વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં, ગાંધી માર્કેટ રોડ પર આવેલા 'ગોકુલ ટેલિકોમ' નામની દુકાનના વેપારી દ્વારા જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવાતાં પાલિકાની ટુકડીએ તેની સામે કાર્યવાહી કરીને રૂા. ૫,૦૦૦નો વહીવટી દંડ વસૂલ કર્યો હતો. નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા લોકો સામે સતત દંડાત્મક પગલાં ભરીને આવક ઊભી કરવાની સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

બીજી તરફ, નગરજનો અને જાણકારોનું માનવું છે કે તંત્રે પણ માત્ર દંડકીય કાર્યવાહી કરવાને બદલે શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓની નિયમિત સફાઈ થાય તે બાબતે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

(ઉત્સવ વૈદ્ય)