Tue Jul 28 2026

Logo

શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા માટે મોટું હથિયાર સાબિત થશે સારાંશ જૈન, જાણો કોણ છે આ નવોદિત ખેલાડી

2026-07-28 11:16:00
Author: Mayur Patel
Article Image

મુંબઈઃ શ્રીલંકા પ્રવાસ માટે જાહેર થયેલી ટેસ્ટ ટીમમાં સારાંશ જૈનની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ હતી. જે બાદ ક્રિકેટ ચાહરો સારાંશ જૈન કોણ છે તે જાણવા આતુર છે. વોશિંગ્ટન સુંદર સંપૂર્ણ ફીટ ન હોવાના કારણ તેમજ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન અને વિકેટ લેવાના કારણે મધ્ય પ્રદેશના અનુભવી ઑલરાઉન્ડર સારાંશ જૈનની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ હતી.

કોણ છે સારાંશ જૈન

33 વર્ષીય સારાંશ જૈનનો જન્મ 31 માર્ચ, 1993ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. ગત બે ઘરેલું સિઝનમાં બેટિંગ અને બોલિંગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 2025-26 રણજી સીઝનમાં મધ્ય પ્રદેશ તરફથી રમતાં તેણે 7 મેચમાં 2.64ની સરેરાશથી 30 વિકેટ ઝડપી હતી. આ પહેલાની સિઝનમાં પણે 8 મેચમાં 35 વિકેટ લીધી હતી. દુલીપ ટ્રોફી 2025ની ફાઈનલમાં સેન્ટ્રોલ ઝોન તરફથી રમતા સારાંશે સાઉથ ઝોન સામે 5 વિકેટ લઈ સનસનાટી મચાવી હતી. જે બાદ વિરોધી ટીમ માત્ર 149 રનમાં તંબુ ભેગી થઈ હતી. આ ઉપરાંત ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે પણ 6 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાની પિચનો છે અનુભવ

સારાંશ જૈનની ટીમ ઈન્ડિયામાં પસંદગી પાછળનું મુખ્ય કારણે શ્રીલંકાની પિચનો અનુભવ છે. તે તાજેતરમાં ઈન્ડિયા-એ સાથે શ્રીલંકાનો પ્રવાસ કરી ચુક્યો છે. જુલાઈ 2026ની શરૂઆતમાં શ્રીલંકા એ સામે રમાયેલી ચાર દિવસીય મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા એ સામે પ્રથણ ઈનિંગમાં તેણે 70 રનની અણનમ ઈનિંગ રમી હતી. મેચ દરમિયાન કુલ 6 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની ટર્નિંગ પિચ પર રમાવાના આ અનુભવના કારણે તેની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારંશ જૈનનો દેખાવ દમદાર છે. તેણે અત્યાર સુધી રમેલી 54 મેચોની 85 ઇનિંગ્સમાં 31.76 ની સરેરાશથી 2,223 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 14 અડધી સદી શામેલ છે. જ્યારે બોલિંગમાં 27.31 ની સરેરાશથી 188 વિકેટ ઝડપી છે, જેમાં 10 વખત એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.