ભુજઃ સીમાવર્તી કચ્છ જિલ્લામાં સર્જાયેલા અલગ-અલગ અપમૃત્યુના બનાવોમાં એક અજાણ્યા સાધ્વી સહિત ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
માંડવીમાં સાધ્વીનું લોહીની ઊલટી થતાં મોત
બંદરીય માંડવીના પાંજરાપોળ રોડ પર નોવેલ્ટી સ્ટુડિયો નીચે પથારી બનાવીને રહેતા આશરે ૫૫ વર્ષીય અજાણ્યા સાધ્વી મહિલાને અચાનક લોહીની ઊલટી થયા બાદ તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિક સત્સંગી રાજેન્દ્રગિરિ ગોસ્વામીએ માંડવી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક સાધ્વીની ઓળખ મેળવવા તપાસ આરંભી છે.
અંજાર નજીક એક્ટિવા સ્લિપ થયા બાદ બોલેરો ફરી વળતાં યુવકનું મોત
અંજારના વરસામેડી અંડરબ્રિજથી નાકા સર્કલ તરફ જતાં માર્ગ પર એક્ટિવામાં પેટ્રોલ ખાલી થઈ જતાં તેને મોટરસાઇકલ સાથે દુપટ્ટા વડે બાંધીને ટોઇંગ કરવામાં આવી રહ્યું હતું. ઢાળ પર મોટરસાઈકલનું સંતુલન બગાડતાં એક્ટિવા સ્લિપ થઈ જતાં ચાલક સંજયરામ નીચે પટકાયો હતો. આ વેળાએ પાછળથી આવતી બોલેરો કાર તેના પર ફરી વળતાં ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે ગુરુકુમાર આત્મારામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગાંધીધામ ઓવરબ્રિજ પર ટ્રેલર અથડાતાં ચાલકનું મોત
બીજા એક અકસ્માતમાં ગાંધીધામ નજીક આવેલા એ.વી. જોશી પુલિયા પર આગળ જઈ રહેલાં ભારે વાહન પાછળ ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેલરચાલક બલવિંદરસિંઘ રાખાસિંઘ (ઉં.વ.૪૭)નું ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે યુવરાજસિંહ ઝાલાએ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.