Tue Jul 28 2026

Logo

છારોડી અને વિરમગામ વચ્ચે જળભરાવથી રેલવે વ્યવહાર ખોરવાયો: કચ્છ આવતી-જતી ટ્રેનો પ્રભાવિત

2026-07-28 11:59:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ–વિરમગામ રેલખંડ પર છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચે ભારે વરસાદના કારણે પાટા પર ભારે જળભરાવ (પાણી ભરાઈ જવું) થયો છે. આ સમસ્યાને કારણે પશ્ચિમ રેલવે અને રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે ટ્રાફિક સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે અનેક ટ્રેનો સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં છે તો કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે

વિરમગામ અને છારોડી વચ્ચે ભારે જળભરાવના કારણે ટ્રેકમાં નુકસાન પહોંચતા રેલવે વ્યવહારને માઠી અસર પહોંચી છે. આ સ્થિતિને પગલે અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે તેમજ કેટલીક ટ્રેનોને અંશતઃ રદ કરવામાં આવી છે, જેમાં કચ્છ આવતી-જતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ કચ્છથી તમામ ટ્રેનો રાબેતા મુજબ રવાના થઈ રહી છે પરંતુ વાયા વિરમગામથી પસાર થતી ટ્રેનો દોઢથી બે કલાક જેટલી મોડી ચાલી રહી છે. આ ઉપરાંત, દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસને દાદરથી જ બે કલાક મોડી રવાના કરવામાં આવી હતી. જ્યારે પૂણેથી ભુજ આવતી ટ્રેન (નંબર 11091)ને અમદાવાદ સુધી જ ટૂંકાવવામાં આવી છે. આ ટ્રેન બુધવારે અમદાવાદથી જ પરત પૂણે માટે રવાના થશે, જ્યારે અમદાવાદ અને ભુજ વચ્ચેનો તેનો રૂટ રદ કરવામાં આવ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)