છોટાઉદેપુરઃ ભાજપના મહિલા પાલિકા પ્રમુખની ચૂંટણી અને સભ્ય પદ રદ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. છોટાઉદેપુર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળીનો જાતિનો દાખલો કલેકટરે રદ કર્યો હતો. ઉપરાંત સભ્ય પદ રદ કરવા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીને હુકમ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 4 માંથી અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી વિજેતા જાહેર થયેલ મંજુલાબેન કિશનભાઇ કોળીનું હિન્દુ રાઠવા જાતિનું પ્રમાણપત્ર વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા તારીખ 22/5/ 26 ના હુકમથી રદ કરવામાં આવ્યું હતુ. જે અંગે કાનૂની કાર્યવાહી ચાલતી હતી. કોઈ જાતિના પ્રમાણપત્રના હુકમ લગતા કોઈ આધાર પુરાવા રજૂ કર્યા નહોતા. જેથી નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 11 મુજબ ગેરલાયકતાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન દ્વારા વોર્ડ નંબર 4માં અનુસૂચિત જાતિની બેઠક પરથી વિજેતા જાહેર થયેલા ઉમેદવાર મંજુલાબેન કિશનભાઈ કોળીને ગેરલાયક ઠરાવવા તથા 1963 કલમ 38 પેટા કલમ ૩ ની જોગવાઈઓ મુજબ વોર્ડ નંબર ચારની બેઠક ખાલી જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
આ અંગે મંજુલાબેન કિશનભાઈ કોળીએ જણાવ્યું હતું કે અમારો જાતિનો દાખલો કલેક્ટરે વિશ્લેષણ સમિતિના ચુકાદાના અનુસંધાને રદ કર્યો છે, એમાં એક આદિવાસી મહિલા પાછળ પડી ગયેલા વિરોધીએ ખુશ થવા જેવું કંઈ નથી. કલેક્ટરના હુકમની સામે અપીલ કરવાની અમને છૂટ મળી છે. આ મારી એકલીની લડાઈ નથી આ સમગ્ર કોળી સમાજ અને સમગ્ર આદિવાસી સમાજની લડાઈ છે. અમો આ લડત સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાના છીએ. માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે સત્તા લાલચુઓ એક આદિવાસી મહિલા ને હેરાન કરી રહ્યા છે એમાં જે લોકો સામેલ છે એ તમામને અમે ખુલ્લા પાડીશું તેમ જણાવ્યું હતું.
છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના સસ્પેન્શન બાદ હવે નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ સંભાળશે. પ્રમુખ સસ્પેન્ડ થતાં જ સમાજવાદી પાર્ટીને સત્તાનું સુકાન મળતા તેમનામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે બીજી તરફ છોટાઉદેપુર નગરપાલિકામાં હવે ભાજપનું શાસન જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં બોગસ જાતિના દાખલાનું પ્રમાણ વધુ છે. નગરપાલિકા પ્રમુખનો બોગસ દાખલો સાબિત થતાં અત્યાર સુધી સત્તાધારી પાર્ટી પર વિપક્ષો દ્વારા લગાવાતા આરોપો સાચા સાબિત થયા હતા, જેના કારણે ભાજપની છબીને મોટો ધક્કો લાગ્યો છે અને પક્ષમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ છોટાઉદેપુર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બોગસ દાખલાના આધારે ચૂંટણી લડેલા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો.