Tue Jul 28 2026

Logo

આત્મહત્યાના નિર્ણયથી માંડીને દેશને ઐતિહાસિક સુવર્ણચંદ્રક અપાવવા સુધીની રોમાંચક દાસ્તાન.

Glasgow, Scotland   2026-07-28 12:41:00
Author: Mumbai Samachar Team
Article Image

અમિત શાહ


ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): અહીં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને એવા એક મહિલાએ ગોલ્ડ મેડલ અપાવ્યો જેમના સંઘર્ષભર્યા, પ્રેરણારૂપ અને રોમાંચક જીવનની વાતો જાણવા જેવી છે.

એક સમય એવો હતો જ્યારે માનસિક ત્રાસના કારણે આ મહિલાએ પોતાની દીકરીઓ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ ભાગ્યમાં પલટો લખાયો હશે કે જેને કારણે તેમણે એ નિર્ણય બદલી નાખ્યો હતો.

ગોળા ફેંકમાં શર્મિલા ચેમ્પિયન

સોમવારે રાત્રે ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સુવર્ણપદક (ગોલ્ડ મેડલ) જીત્યા પછી તેમની આંખોની ચમક કંઈક અલગ જ હતી. જાણે એક સંઘર્ષી મહિલાથી માંડીને દેશની ગોલ્ડ મેડલિસ્ટ ઍથ્લીટ બનવા સુધીનું આખું દ્રશ્ય તેમની આંખો સામે એક ફિલ્મની જેમ ચાલી રહ્યું હતું. આપણે વાત કરી રહ્યા છીએ ભારતને શૉટ પુટ (ગોળા ફેંક) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવનાર પૅરા ઍથ્લીટ શર્મિલા ધનખડની.

દિવ્યાંગોની સ્પર્ધામાં અનેરી સિદ્ધિ

ગ્લાસગોમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સમાં 40 વર્ષીય શર્મિલા (Sharmila)એ મહિલાઓની શૉટ પુટ F57 સ્પર્ધામાં સ્વર્ણપદક જીત્યો. તેમણે 9.81 મીટરનો થ્રો કરીને સીઝનનું પોતાનું સર્વશ્રેષ્ઠ (Season's Best) પ્રદર્શન કર્યું. આ જીત સાથે જ પૅરા ઍથ્લેટિક્સમાં ભારતે કૉમનવેલ્થ ગેમ્સ (CWG)ના ગોલ્ડ મેડલ માટે 20 વર્ષ સુધી જે રાહ જોવી પડી એ લાંબો સમય હવે પૂરો થયો. તમને જણાવી દઈએ કે F57 વર્ગીકરણ એવા પૅરા ઍથ્લીટો માટે હોય છે જેમના શરીરના નીચલા અંગોમાં દિવ્યાંગતા કે સ્નાયુઓની તાકાતમાં ઊણપ હોય છે.

નાનપણથી પોલિયોગ્રસ્ત

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના ચિત્રૌલી ગામના રહેવાસી શર્મિલા જ્યારે બે વર્ષના હતાં, ત્યારથી જ તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. 2 વર્ષની ઉંમરે તેઓ પોલિયોગ્રસ્ત થઈ ગયાં, જેનાથી તેમનો એક પગ પ્રભાવિત થયો હતો. પિતા એક નાના ખેડૂત હતા, જેના કારણે તેઓ શર્મિલાની સારી સારવાર નહોતા કરાવી શક્યા. શર્મિલાના માતાને આંખોમાં ક્ષતિ છે. તેઓ જોઈ નથી શકતા.

નાનપણમાં લગ્ન કરવા પડ્યા

પરિવારમાં ત્રણ બહેનો અને તેમનાથી દસ વર્ષ નાનો ભાઈ, એમ પાંચ લોકોનો પરિવાર અત્યંત ગરીબીમાં પોતાનું ગુજરાન ચલાવતો રહ્યો. ઘરની સ્થિતિ એટલી નાજુક હતી કે માત્ર 10મા ધોરણ સુધી ભણેલા શર્મિલાના 19 વર્ષની ઉંમરે પરિવારજનોએ લગ્ન કરાવી દીધા હતા. દરેક છોકરીના સપનાઓની જેમ શર્મિલાને પણ લાગ્યું કે લગ્ન પછી તેમની જિંદગી બદલાઈ જશે, પરંતુ થયું કંઈક ઊલટું જ. લગ્ન પછી પણ શર્મિલાની મુશ્કેલીઓ ઓછી ન થઈ.

ગરીબી વચ્ચે પતિનો ત્રાસ

લગ્ન પછી પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહિલા હૉસ્પિટલમાં આયા, ક્લિનર તેમજ ગાર્ડની નોકરી કરનાર શર્મિલાને સૌથી મોટી તકલીફ એ હતી કે તેમના પતિને નશાની ટેવ હતી અને સાસુ-સસરા ન હોવાને કારણે તેનો પતિ તેમની મારઝૂડ કરતો અને વર્ષો સુધી દહેજ માટે પરેશાન કરતો રહ્યો. 26 વર્ષની ઉંમરે જ્યારે શર્મિલાને બીજી દીકરીનો જન્મ થયો ત્યારે તેમના પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. દીકરો ન હોવાના કારણે એક દિવસ ગુસ્સે ભરાયેલા પતિએ શર્મિલાને રાત્રે 11 વાગ્યાથી મારવાનું શરૂ કર્યું અને મોડી રાત્રે 3 વાગ્યે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. મજબૂરીમાં શર્મિલા બંને બાળકોને લઈને પિતાના ઘરે પાછાં આવી ગયા હતા. એક સમયે તો શર્મિલાને લાગ્યું કે આ અપમાનજનક જીવન જીવવા કરતાં પોતાની બંને દીકરીઓ સાથે જીવન ટૂંકાવી દેવું સારું. જોકે તેમની કિસ્મતમાં ઈશ્વરે કંઈક અલગ જ લખ્યું હતું.

પ્રથમ લગ્નના ત્રાસને ભૂલીને અને પોતાના બાળકોના પાલન-પોષણની ચિંતા સાથે શર્મિલાએ 28 વર્ષની ઉંમરે અજિત નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન માનો શર્મિલા માટે વરદાન સાબિત થયા.

બીજા લગ્નએ જિંદગી બદલી નાખી

શર્મિલાને બીજા પતિ અજિત ખૂબ જ સપોર્ટ કરતા હતા. વ્યવસાયે મોટર મિકેનિક અજિતને અખબારમાંથી પૅરા ઍથ્લીટ્સ વિશે માહિતી મળી અને તેમણે શર્મિલાને તેમાં પોતાનું નસીબ અજમાવવા કહ્યું. જીવનમાં ક્યારેય સ્પર્ધાત્મક રમતમાં ભાગ ન લેનાર શર્મિલાએ પતિના સમર્થનથી પોતાની SDM સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક કર્યો. તેમણે શર્મિલાને તુલારામ સ્ટેડિયમમાં જઈને તાલીમ લેવાનું સૂચન કર્યું. પૅરા ઍથ્લેટિક્સની શરૂઆત કરવામાં તેમને 6 વર્ષ લાગી ગયા. શર્મિલાએ 34 વર્ષની ઉંમરે કોચ ટેકચંદ અને દેવેન્દ્રના માર્ગદર્શન હેઠળ શૉટ પુટની પ્રેક્ટિસ શરૂ કરી. તેમણે F57 વર્ગમાં વ્હીલચેર એટલે કે સીટેડ થ્રો (બેસીને ફેંકવાની સ્પર્ધા) પસંદ કરી. જોકે, શર્મિલા માટે અહીં પણ કંઈ સરળ નહોતું.

આર્થિક સ્થિતિ નબળી છતાં હાર ન માન્યા

વાસ્તવમાં, શર્મિલાના બીજા પતિ અજિતની પણ આર્થિક સ્થિતિ સારી નહોતી. આવી સ્થિતિમાં તેમને ટ્રેઈનિંગના ખર્ચ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ શર્મિલાએ હાર ન માની. વર્ષ 2021માં તેઓ પહેલીવાર નેશનલ ચેમ્પિયન બન્યા હતા. રમતમાં આગળ વધવાની ઈચ્છામાં 2023માં શર્મિલાએ પોતાની ટ્રેઈનિંગ માટે હરિયાણાના રેવાડીમાં આવેલું પોતાનું ઘર વેચી દીધું અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં, પરંતુ તેમનું સપનું તો પણ અધૂરું હતું.

પીએમ મોદીએ ઉત્સાહ વધાર્યો

નબળી આર્થિક સ્થિતિ અને સઘન તાલીમ છતાં જ્યારે શર્મિલા બર્મિંગમ કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ ચૂક્યા તો એ તેમના માટે કોઈ આઘાતથી ઓછું નહોતું, પરંતુ તેમણે ફરી હાર ન માની. શર્મિલાએ ફરી પોતાને તૈયાર કર્યાં. બર્મિંગમમાં શર્મિલા ચોથા સ્થાને રહ્યા હતા. વર્ષ 2022ના બર્મિંગમ કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ લગભગ વીસ મિનિટ સુધી શર્મિલા સાથે વાત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મોદીજીએ તેમને કહ્યું હતું કે ‘તમે જે ઉંમરે સ્પર્ધામાં ઊતરી રહ્યા છો એ સમયે તો ખેલાડીઓ રમતને અલવિદા કહી દેતા હોય છે.'

એક પછી એક ચંદ્રક જીતતા ગયા

વડાપ્રધાને શર્મિલાના જુસ્સાને સલામ કરીને તેમને આગળ વધારવાનો સંકલ્પ આપ્યો હતો. ત્યાર બાદ તેમણે 2023 એશિયન પૅરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને દુબઈ ફઝ્ઝા ઇન્ટરનેશનલ પૅરા એથલેટિક્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા. એટલું જ નહીં, શર્મિલાએ વર્ષ 2021માં નેશનલ પૅરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નેશનલ રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. શર્મિલાને અહીંથી જ એક મોટી ઓળખ મળી હતી.

હરિયાણાના પ્રથમ મહિલા કંડક્ટર

હરિયાણા રોડવેઝમાં પહેલી મહિલા કંડક્ટર તરીકે નોકરી કરનાર શર્મિલાએ મોટી સ્પર્ધા માટે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તેમને સતત નોકરી પર પાછા ફરવાની ઑફર્સ આવે છે, પરંતુ તેમનું ધ્યાન દેશ માટે મેડલ જીતવા પર છે. ઑલિમ્પિક સ્તરની સઘન તાલીમ માટે શર્મિલાને મહિને એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ ઉઠાવવો પડે છે, પરંતુ તેમની મહેનત અને પ્રતિભાને જોતાં તેમને ઘણી કંપનીઓ તરફથી આર્થિક સહયોગ મળે છે.

બન્ને પુત્રી પણ ખેલકૂદમાં નિપુણ

માતા શર્મિલાના પગલે ચાલીને હવે તેમની બંને દીકરીઓ પણ સ્પોર્ટ્સવુમન છે. મોટી દીકરી અનુજ અંડર-16 જેવલિન (ભાલાફેંક)માં નોર્થ ઝોન નેશનલની ગોલ્ડ મેડલ વિજેતા છે, જ્યારે નાની દીકરી લક્ષ્મી અંડર-14 વર્ગમાં લોન્ગ જમ્પની ખેલાડી છે. શર્મિલાનું સપનું હતું કે ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ આવ્યા પછી તેઓ પોતાનું સપનાનું ઘર ખરીદશે. હવે કદાચ પોતાના ગળામાં સોનાનો મેડલ જોઈને આ સપનું ખૂબ જલ્દી હકીકતમાં બદલાશે એવી તેમને આશા છે.