ચીનની રોકેટ ફોર્સની તર્જ પર પાકિસ્તાનની 'નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ'ની રચના; સરહદી વિસ્તારોમાં જોખમ વધવાની આશંકા
ભુજ: પાકિસ્તાની સેના દ્વારા પોતાના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોના સંચાલન માટે "નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ"ની સ્થાપના કરવામાં આવી હોવાના અહેવાલોથી દક્ષિણ એશિયાઈ પ્રદેશમાં રાજકીય અને સૈન્ય ચિંતાઓ વધી છે. આ નવા કમાન્ડના પ્રથમ કમાન્ડર તરીકે લેફ્ટનન્ટ જનરલ સૈયદ આમેર રઝાની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ પરમાણુ શસ્ત્રો સંબંધિત ઓપરેશનલ નિર્ણયો સંપૂર્ણપણે સેનાના હાથમાં કેન્દ્રિત કરવામાં આવ્યા છે, જેમાં નાગરિક સરકાર કે નેતૃત્વને માત્ર માહિતી આપવા પુરતું જ સીમિત રાખવામાં આવ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના રોકેટ ફોર્સ મોડેલથી પ્રેરિત આ માળખામાં પાકિસ્તાનની ભૂમિસેના, નૌસેના, વાયુસેના અને સ્ટ્રેટેજિક કમાન્ડને એકત્રિત કરવાનો પ્રયાસ કરાયો છે.
આ લશ્કરી ફેરફાર ભારત માટે અને ખાસ કરીને પાકિસ્તાન સાથે સીધી જમીની તથા દરિયાઈ સરહદ ધરાવતા ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂતકાળમાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાને ગુજરાત સરહદ તરફ મિસાઇલો અને આશરે 200 જેટલા ડ્રોન મોકલ્યા હતા, પરંતુ ભારતીય આર્મી, વાયુસેના અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફના ગુજરાત ફ્રન્ટિયરના આઈ.જી અભિષેક પાઠકના જણાવ્યા અનુસાર, તે સમયે રાજસ્થાનથી લઈને કચ્છ સુધીની આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાને ટેન્કો અને ભારે તોપોની તૈનાતી કરી હતી.
સુરક્ષા નિષ્ણાતોની ગંભીર ચેતવણી
સંરક્ષણ નિષ્ણાતોના મતે, જ્યારે પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ સંપૂર્ણપણે સૈન્ય વડાઓના હાથમાં આવે છે, ત્યારે પ્રદેશમાં અનિશ્ચિતતા અને અણધારી ગતિવિધિઓનું જોખમ વધી જાય છે. નાગરિક અંકુશ વિના કમાન્ડ સીધો સેના પાસે હોવાથી યોગ્ય નિયંત્રણ નબળા પડે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને પણ અગાઉ ચેતવણી આપી હતી કે, પાકિસ્તાનમાં વાસ્તવિક ખતરો માત્ર બાહ્ય આતંકવાદી સંગઠનોથી નથી, પરંતુ પાકિસ્તાનના સૈન્યની અંદર રહેલા કટ્ટરપંથી તત્વોથી છે, ખાસ કરીને જ્યારે ટેક્ટિકલ પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ નીચલા સ્તરના અધિકારીઓ સુધી સોંપવામાં આવે.
વધતા સૈન્ય તણાવ અને ભૌગોલિક જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવી છે. રાજ્ય સરકારે પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદના કડક નિરીક્ષણ માટે તેને બે સત્તાવાર રેન્જમાં વિભાજિત કરી છે જેમાં કચ્છનો સમાવેશ કરતી 'બોર્ડર રેન્જ' અને નવી રચાયેલી 'બનાસકાંઠા રેન્જ' નો સમાવેશ થાય છે. અગાઉ બાલાકોટ એરસ્ટ્રાઇક સમયે પણ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની સેનાના હાથમાં પરમાણુ કમાન્ડ જવાથી સરહદી વિસ્તારોમાં ડ્રોન ઘૂસણખોરી, મિસાઇલ તૈનાતી અને અણધારી સૈન્ય ઉશ્કેરણીનો ભય વધ્યો છે. સ્થાનિક સ્તરે સંભવિત જોખમો સામે લડવા માટે ભારતીય આર્મી, નેવી, અતિ આધુનિક એરફોર્સ અને બીએસએફ સંયુક્ત રીતે કચ્છ અને બનાસકાંઠાની સરહદો પર હાઇ એલર્ટ મોડ પર તૈનાત છે.
(ઉત્સવ વૈદ્ય)