Tue Oct 06 2026

Logo

માંડવીના રાજડા ટેકરી વિસ્તારમાં અખાદ્ય વનસ્પતિ કે ઝેરી પાણી પીવાથી ૨૦ ઊંટના મોત

2026-09-03 12:31:00
Author: Mumbai Samachar Team
માંડવીના રાજડા ટેકરી વિસ્તારમાં અખાદ્ય વનસ્પતિ કે ઝેરી પાણી પીવાથી ૨૦ ઊંટના મોત

ભુજ: કચ્છના બંદરીય માંડવી તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ રાજડા ટેકરી અને ગાંધીગ્રામ વિસ્તારમાં ચરિયાણ અર્થે ગયેલા ઊંટો પૈકી ૨૦ જેટલાં ઊંટનાં શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર માલધારી સમાજ અને પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

કરુણાંતિકા અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દેવપર (ગઢ)ના માલધારી ચના ગાભા રબારી અને ખેંગાર રાણા રબારી પોતાના ઊંટના ધણને ચરાવવા અર્થે લઈ ગયા હતા. આ દરમિયાન કોઈ અખાદ્ય વનસ્પતિ ખાઈ જવાથી અથવા ઝેરી કેમિકલયુક્ત પાણી પી જવાથી ૧૮ થી ૨૦ જેટલા ઊંટોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૬ જેટલા બીમાર ઊંટોની હાલ સારવાર ચાલી રહી છે. દુષ્કાળ જેવા માહોલ વચ્ચે રોજીરોટી છીનવાઈ જતાં પીડિત માલધારીઓ પર આફતનું આભ ફાટ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જીવદયા પ્રેમીઓ અને રબારી સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા મુખ્ય પશુ અધિકારી આર.કે.પટેલની સૂચનાથી ડૉ. કમલેશ હડિયા સહિતના પશુ તબીબોની મોટી ટીમે સ્થળ પર પહોંચી બીમાર ઊંટોની સારવાર અને મૃત ઊંટોના પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી હતી. પશુપાલકોને યોગ્ય વળતર મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે. ઊંટોના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

(ઉત્સવ વૈદ્ય)