અમદાવાદઃ રાજ્યમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે છ પાકિસ્તાનીઓને 8 વર્ષની જેલની સજા સંભળાવી હતી. ઉપરાંત 25 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. ઉપરાંત એક ભારતીય નાગરિકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
કચ્છના જખૌમાંથી પકડાયું હતું હેરોઈન
મે, 2019માં કચ્છના જખૌમાંથી એક ઓપરેશન દરમિયાન 330 કિલોગ્રામ બ્રાઉન હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે જ્યારે પાકિસ્તાન બોટને ઘેરી ત્યારે તેમાં સવાર લોકોએ માદક પદાર્થોના પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા. આ મામલે પકડાયેલા છ પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.
આ ઉપરાંત, એનઆઈએ કોર્ટના ન્યાયધીશે પાકિસ્તાની નાગરિકોને પાસપોર્ટ નિયમ, 1950 અંતર્ગત પણ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ બંને સજાનો એકસાથે અમલ કરવામાં આવશે. એટલું જ નહીં, કોર્ટે દોષિતો ઉપર વિદેશી નાગરિક અધિનિયમ અંતર્ગત 25,000 રૂપિયાનો વધારાનો દંડ લગાવ્યો હતો.
એનઆઈએ કોર્ટે પાકિસ્તાની નાગરિકોને ગેરકાયદે પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદા અને NDPSના કેસમાં નિર્દોષ છોડી મૂક્યા છે. સરકારી પક્ષ કોર્ટમાં તેમની સામે ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
આ ઉપરાંત, કોર્ટે પુરાવાના અભાવે રમઝાન ગની પલાણી નામના ભારતીય નાગરિકને પણ નિર્દોષ જાહેર કર્યો હતો. તે દરિયાની વચ્ચે ભારતીય બોટમાં નશીલા પદાર્થોનો આ જથ્થો સ્વીકારવાનો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર ડ્રગ્સ અને માદક પદાર્થો સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં ભરૂચમાં પોલીસે 2153 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.