Tue Jul 28 2026

Logo

‘શાળાર્થ આઈડી’ સ્કૅમમાં શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજની ધરપકડ: આરોપીનું ભાજપ સાથે કનેક્શન

2026-07-28 18:09:20
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ/નાશિક: શાળાર્થ આઈડી કૌભાંડમાં પોલીસે ભાજપ સાથે સંકળાયેલા જળગાંવ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજની ધરપકડ કરી હતી. આ રૅકેટમાં સરકારી પોર્ટલ પર શિક્ષકોની બોગસ આઈડી તૈયાર કરીને તેમના નામે પગાર ઉપાડવામાં આવતો.અનેક શૈક્ષણિક સંસ્થાઓનું વ્યવસ્થાપન કરતા સંજય ગરુડની સોલાપુર જિલ્લાના નાતેપુતે શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલને નાશિક પોલીસે મંગળવારે સમર્થન આપ્યું હતું.

67 વર્ષના સંજય ગરુડ વિરુદ્ધ નાશિક રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ રૅકેટમાં ગરુડની ભૂમિકા અંગે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) સંદીપ મિટકેએ જણાવ્યું હતું કે 150થી વધુ શિક્ષકની બોગસ પ્રોફાઈલ તૈયાર કરી હતી. પછી એ શિક્ષકો પોતાના દ્વારા વ્યવસ્થાપન કરાતી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હોવાનું દર્શાવ્યું હતું.આ રૅકેટની એકંદર તપાસ વિશે એસીપીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 200થી વધુ શાળાની ભૂમિકા સામે આવી છે, જ્યારે 1,200 આરોપીને ઓળખી કાઢવામાં આવ્યા છે અને પાંચની ધરપકડ કરવામાં આવી છે.

વરિષ્ઠ ભાજપી નેતા અને કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજને અગાઉ જણાવ્યું હતું કે આ કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સ્કૅમમાં સંડોવાયેલા બધાનો પર્દાફાશ કરવામાં આવશે.ગરુડ જળગાંવ જિલ્લાના જામનેર તાલુકાનો વતની છે, જે મહાજનનો ગઢ ગણાય છે. તે અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. જાન્યુઆરી, 2024માં એનસીપી (એસપી) સાથે છેડો ફાડી તેણે ભાજપનું કમળ અપનાવ્યું હતું.

શાળાર્થ આઈડી સ્કૅમની તપાસ કરતી એસઆઈટીની આગેવાની ગ્રામીણ વિકાસ વિભાગના સેક્રેટરી ડૉ. ચંદ્રકાંત પુલકુંદવાર દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ આ જ મહિને નાશિક પોલીસે બોગસ શાળાર્થ આઈડી બનાવવામાં કથિત સંડોવણી પ્રકરણે જળગાંવ જિલ્લા પરિષદના ભૂતપૂર્વ શિક્ષણ અધિકારી શશીકાંત હિંગોણેકરની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)