Tue Jul 28 2026

Logo

ગુજરાતથી પ્રયાગરાજ જનારા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર: વેરાવળ-પ્રયાગરાજ વચ્ચે નવી સ્પેશિયલ ટ્રેનની જાહેરાત!

2026-07-28 18:16:50
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતથી હરિદ્વાર, અયોધ્યા, તિરૂપતિ બાલાજી સહિત હવે પ્રયાગરાજ જવા માટે પણ ટ્રેન મળી રહેવાની છે. કારણ કે ભાવનગર મંડળ દ્વારા ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલા વેરાવળથી છેક પ્રયાગરાજ સુધીની ટ્રેન (Veraval to Prayagraj train) સેવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસીઓની સુવિધા વધારવા અને વધારાની મુસાફરી માંગને પહોંચી વળવા માટે રેલવેએ વેરાવળ અને પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ટોડ સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. 

રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 04174 વેરાવળ-પ્રયાગરાજ 7 ઓગષ્ટ 2026 થી 25 સપ્ટેમ્બર 2026 સુધી દર શુક્રવારે રાત્રે 10  કલાકે ઉપડશે અને રવિવારે સવારે 05:50 કલાકે પ્રયાગરાજ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 04173 પ્રયાગરાજ-વેરાવળ 6 ઓગષ્ટ 2026 થી 24 સપ્ટેમ્બર 2026 સુધી દર ગુરુવારે સવારે 10:10 કલાકે ઉપડશે અને શુક્રવારે સાંજે 18:15 કલાકે વેરાવળ પહોંચશે.

આ ટ્રેન વેરાવળ, જૂનાગઢ, નવાગઢ, રાજકોટ, વાંકાનેર જંક્શન, થાન જંક્શન, સુરેન્દ્રનગર, વિરમગામ જંક્શન, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન પર સ્ટોપેજ આપવામાં આવ્યો છે. તે સિવાય ગુજરાત બહાર આબુ રોડ, સુમેરપુર જવાઈ બંધ, ફાલના, મારવાડ જંક્શન, બેઆવર, અજમેર જંક્શન, કિશનગઢ, જયપુર જંક્શન, બાંદીકુઈ જંક્શન, ભરતપુર જંક્શન, ઇદગાહ આગ્રા જંક્શન, તુંડલા જંક્શન, ઇટાવા જંક્શન, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ જંક્શન ખાતે થોભશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે તેમજ ટ્રેન નંબર 04174 માટેનું બુકિંગ 30 જુલાઇ 2026 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન 30 ઓગસ્ટ 2026 સુધી અને તેની પરત આવતી ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ સ્પેશિયલ 29 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે. આ લંબાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે ટિકિટ બુકિંગની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ટ્રેન નંબર 01906 (અસારવા-કાનપુર સેન્ટ્રલ), 01909 (અસારવા-આગ્રા કેન્ટ) અને 04112 (ગાંધીગ્રામ-પ્રયાગરાજ) ના આ વિસ્તૃત ફેરાઓ માટેનું બુકિંગ 12 જુલાઈ 2026 થી શરૂ થશે. મુસાફરો પોતાનું રિઝર્વેશન નજીકના તમામ પીઆરએસ કાઉન્ટર પરથી અથવા તો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન કરાવી શકશે.