અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવશે.
પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે.
માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય, તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ CC રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં સીસીરોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સીસીરોડની કામગીરીનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ સીસીરોડનો બાંધકામ ખર્ચ ૩૦ થી ૪૦ ટકા વધુ હોય છે. તેમ છતાં, ખર્ચની ચિંતા કર્યા વિના, પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા આ પ્રજાહિતલક્ષી નિર્ણય કર્યો છે.