બોલીવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા રેપર અને સિંગર બાદશાહની પર્સનલ લાઈફ ફરી એકવાર ભારે ચર્ચામાં આવી ગઈ છે. સિક્રેટ વેડિંગની ચાર મહિના બાદ જ હવે બાદશાહ અને તેની બીજી પત્ની ઈશા રિક્કી વચ્ચે ભંગાણ પડ્યું હોવાના અને ડિવોર્સની અફવાઓ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે અને એનું કારણ છે મોડેલ અને એક્ટ્રેસ ઈશા રિક્કીએ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક એવી રહસ્યમય અને ભાવુક પોસ્ટ શેર કરી છે, જેણે આ અફવાઓને ભારે હવા આપી દીધી છે. તાલો જોઈએ શું છે આ પોસ્ટમાં...
ઈશા રિક્કીએ પોતાની નવી પોસ્ટમાં પોતાની લાગણીઓ અને દર્દ વ્યક્ત કરતાં લખ્યું છે કે શાંતિ કે ચૂપકીદીનો અર્થ એ નથી કે મેં પરિસ્થિતિઓને સ્વીકારી લીધી છે... કેટલીક લડાઈઓ એવી હોય છે જેના કોઈ દેખીતા નિશાન કે ઘા નથી હોતા. લાંબા સમય સુધી હું ડરના કારણે ચૂપ રહી. મને લાગતું હતું કે મારા પતિ પાસે ઘણો પ્રભાવ, પાવર અને રિસોર્સિસ છે, જેથી મેં મારી જાતને સમજાવી લીધી હતી કે ચૂપ રહેવું જ સૌથી સુરક્ષિત રસ્તો છે.
આગળ ઈશાએ પોતાની પોસ્ટમાં લખ્યું થે કે મારું મૌન એ ક્યારેય મારી સંમતિ નહોતી, તે માત્ર મારી જાતને બચાવવાનો એક પ્રયાસ હતો. આજે હું ડર પર હિંમતને પસંદ કરી રહી છું. બની શકે કે હું આખી વાર્તા કહેવા માટે હજુ તૈયાર નથી, પણ હવે 'બધું બરાબર છે' તેવું નાટક કરવાનું બંધ કરવા માટે હું તૈયાર છું.
અહીંયા તમારી જાણકારી માટે કે આ પહેલાં પણ ઈશાએ એક વિડીયો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, દરેક વાવાઝોડું એક પાઠ છે અને દરેક પ્રાર્થના એક આશા છે. તમારી જાણકારી માટે કે રેપર બાદશાહના પ્રથમ લગ્ન વર્ષ 2012માં જૈસમીન મસીહ સાથે થયા હતા. આ લગ્નજીવન લગભગ આઠ વર્ષ સુધી ચાલ્યા બાદ વર્ષ 2020માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ બાદશાહે ઈશા રિક્કી સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના માત્ર ચાર મહિનામાં જ આવી પોસ્ટ સામે આવતાં ફેન્સ આઘાતમાં સરી પડ્યા છે.
સેલેબ્સ અને ફેન્સ આપવા લાગ્યા સપોર્ટ:
ઈશા રિક્કીની આ ચોંકાવનારી પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલીવૂડ-પંજાબી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તેની હિંમત વધારી રહ્યા છે. પંજાબી સિંગર કરણ ઓજલાની પત્ની પલક ઓજલા અને જાણીતી એક્ટ્રેસ જેસ્મીન ભસીન સહિત અનેક સેલેબ્સે કમેન્ટ કરીને ઈશાને પોતાનો સપોર્ટ જાહેર કર્યો છે.