Tue Jul 28 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેનમાં મોટી હોનારત ટળી! ટ્રેક પરથી મળ્યો લોખંડનો ડબ્બો, મોટરમેનની સુઝબુઝથી બચ્યો મુસાફરોનો જીવ

2026-07-28 18:24:50
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનના મોટરમેનની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. થાણેથી કર્જત તરફ જઈ રહેલી લોકલ ટ્રેનને ઉલ્હાસનગર અને અંબરનાથ વચ્ચે રેલવે ટ્રેક પર લોખંડનો ડબ્બો મળી આવતા સાવચેતીના ભાગરૂપે રોકી દેવામાં આવી હતી. લોકલ ટ્રેનના મોટરમેન આર. એસ. સૈનીની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેક પર કોઈ વસ્તુ પડેલી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક ટ્રેનને રોકી દીધી હતી.

મળતી માહિતી મુજબ થાણે-કર્જત લોકલ સવારે 5.44 વાગ્યાથી 5.56 વાગ્યા સુધી આ સ્થળે અટકેલી રહી હતી. મોટરમેન આર. એસ. સૈનીએ ટ્રેન રોક્યા બાદ ટ્રેક પર પડેલી લોખંડની પેટી દૂર કરી હતી. પેટી હટાવ્યા બાદ ટ્રેક સુરક્ષિત હોવાનું સુનિશ્ચિત કરીને લોકલ ટ્રેનને ફરી શરૂ કરવામાં આવી હતી.

મોટરમેનની સમયસરની કાર્યવાહીથી ટ્રેન કોઈ વસ્તુ સાથે અથડાઈ ન હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. જોકે, ટ્રેક પર લોખંડની પેટી કેવી રીતે આવી તે અંગેની વિગતો સ્પષ્ટ થઈ નથી. 

આ ઘટનાને કારણે લોકલ ટ્રેનને આશરે 12 મિનિટનો વિલંબ થયો હતો ત્યાર બાદ ટ્રેનની સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાએ રેલવે ટ્રેકની સુરક્ષા અને ટ્રેક પર આવી રીતે વસ્તુ આવી ક્યાંથી તેવા ગંભીર સવાલો ઊભા કર્યા છે.