ટારૌબા (વેસ્ટ ઇન્ડિઝ): પાકિસ્તાન સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં સોમવારે ત્રીજા દિવસે ટ્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ ઍકેડેમી સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝના પેસ બોલિંગ ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્ઝે એક એવી સિદ્ધિ મેળવી જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં અગાઉ કોઈએ નહોતી મેળવી.
ગ્રીવ્ઝ (Greaves)એ સતત પાંચ મેઇડન ઓવરમાં એક-એક વિકેટ લીધી હતી. આ પાંચ ઓવર એવી હતી જેમાં તેણે એક પણ રન નહોતો આપ્યો, પરંતુ દરેક ઓવરમાં એક વિકેટ લીધી હતી. ટૂંકમાં, ગ્રીવ્ઝની પાંચેય ઓવર વિકેટ-મેઇડન રહી હતી.
ગ્રીવ્ઝે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ પેસ બોલર સ્ટુઅર્ટ બ્રૉડનો 10 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. બ્રૉડે 2016માં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં સતત ચાર મેઈડન (Maiden) ઓવરમાં વિકેટ લીધી હતી.
પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ શનિવાર, પચીસમી જુલાઈએ શરૂ થઈ હતી. પ્રથમ દાવમાં કૅરિબિયન ટીમે વિકેટકીપર શાઈ હોપના 92 રન તથા કેવન હૉજના 84 રનની મદદથી કુલ 311 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ સેન્ચુરિયન શાન મસૂદ (109 રન)ના મોટા યોગદાનને કારણે સારી સ્થિતિમાં હતી, પણ દાવની 64મી ઓવર જે ગ્રીવ્ઝની મેઇડન ઓવર હતી એના છેલ્લા બૉલમાં તેણે મસૂદને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ ગ્રીવ્ઝે પાકિસ્તાનના મિડલ અને લોઅર ઑર્ડરને નેસ્તનાબૂદ કરી નાખ્યો હતો. મસૂદની વિકેટવાળી મેઇડન ઓવર બાદ ગ્રીવ્ઝે જે ઓવર કરી એ પણ મેઇડન હતી અને એમાં તેણે આમેર જમાલ (ત્રણ રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેની એ ઓવર પણ મેઇડન હતી. ત્યાર પછીની ત્રણ મેઇડન ઓવરમાં ગ્રીવ્ઝે અલી ઉસ્માન (0), મોહમ્મદ રિઝવાન (12) અને મોહમ્મદ અબ્બાસ (0)ની વિકેટ મેળવી હતી. મસૂદની વિકેટ વખતે કુલ સ્કોર 5/244 હતો, પણ ગ્રીવ્ઝની પાંચમી વિકેટ મેઇડન ઓવરને અંતે સ્કોર 9/267 હતો.
પાકિસ્તાનનો બીજો દાવ 282 રને પૂરો થતાં કૅરિબિયન ટીમે 29 રનની સરસાઈ લીધી હતી અને ત્રીજા દિવસને અંતે તેમનો બીજા દાવનો સ્કોર 7/126 હતો અને સરસાઈ સાથે તેમનો સ્કોર 7/155 હતો.
ગ્રીવ્ઝે પત્રકારોને કહ્યું કે તેને સાથી ખેલાડી રૉસ્ટન ચેઝની ઘણી સારી સલાહ મળી હતી જેને લીધે તે આ વિશ્વવિક્રમ તોડી શક્યો.