નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લોક પરીક્ષા સંશોધન ખરડા પરની ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને પ્રધાન (એટલે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને પ્રધાનમંત્રી)ને બચાવ્યા હોવાનો વ્યંગ કર્યો હતો. તેમણે યુવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ ઘણા સમયથી આ ચળવળને દૂરથી જોઈ રહ્યા હતા અને સરકારને ઝુકાવવા માટે મજબૂત દબાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અખિલેશે આરોપ મૂક્યો હતો કે જે રાજ્યમાંથી દેશના વડા પ્રધાન ચૂંટાઈને આવે છે, ત્યાં જ પેપર લીકની ઘટનાઓ સતત બની રહી છે. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે પાર્ટી વચનો નહીં પણ માત્ર ઠાલા આશ્વાસનો આપે છે. તેમને આશા વ્યક્ત કરી હતી કે સરકાર યુવાનોની તમામ માંગણીઓ સ્વીકારશે અને જણાવ્યું કે શરૂઆતમાં હળવાશથી લેવાયેલું આ આંદોલન એટલું ગંભીર બની ગયું કે સરકારને ધરણાની મંજૂરી આપવી પડી.
તેમણે ખેડૂત આંદોલનનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે શરૂઆતમાં ધરણા બેસવાની મંજૂરી નકારવામાં આવી હતી, પરંતુ ચૂંટણી નજીક આવતાં સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની નોબત આવી હતી. તેમણે દાવો કર્યો કે આ પ્રથમ એવું આંદોલન હતું જેમાં યુવાનોની સાથે તેમના માતા-પિતા પણ ખુલ્લેઆમ જોડાયા અને દિલ્હી પૂરતું મર્યાદિત ન રહેતાં તે દેશમાં વ્યાપક બન્યું. પેપર લીકના મુદ્દે તેમણે સરકારને ઘેરતાં જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 20 ભરતી પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે.
અંતમાં, અખિલેશ યાદવે સરકારની આઉટસોર્સિંગ નીતિ પર સવાલ ઊઠાવ્યા હતા અને કહ્યું કે વિપક્ષને ડર છે કે ક્યાંક સમગ્ર શાસનતંત્ર જ આઉટસોર્સ ન થઈ જાય. તેમણે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીને પણ આઉટસોર્સ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરી પ્રશ્ન કર્યો કે આખરે તેની જવાબદારી કોની છે.
તેમણે આરોપ મૂક્યો કે ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદથી શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થાને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર તંત્ર ધીમે-ધીમે પડી ભાંગી રહ્યું છે.